RJDની હાર બાદ રોહિણી આચાર્યે રાજકારણ, પરિવાર સાથેનો સંબંધ તોડ્યો

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદ RJDના સુપ્રીમો અને બિહારના ભૂતપૂર્વ CM લાલુ પ્રસાદ યાદવને મોટો આંચકો લાગ્યો છે. તેમની પુત્રી રોહિણી આચાર્યે રાજકારણ છોડી દેવાની જાહેરાત કરી છે. રોહિણી આચાર્યે એ પણ જણાવ્યું છે કે તેઓ પરિવારથી સંબંધ તોડી રહી છે.

બિહારની વિધાનસભાની 243 બેઠકોમાંથી મહાગઠબંધન માત્ર 35 બેઠકો પર જીત્યું છે, જ્યારે NDAને 202 બેઠકો મળી છે, જેમાં ભાજપને 89, JDUને 85, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ને 19, હિન્દુસ્તાની અવામ મોરચા (સેક્યુલર)ને પાંચ અને રાષ્ટ્રીય લોક મોર્ચાને 4 બેઠકો મળી છે.

મહાગઠબંધનમાં સામેલ RJDને 25, કોંગ્રેસને છ, CPI (ML)(L) ને બે, ઈન્ડિયન ઈન્ક્લૂસિવ પાર્ટી અને CPM ને 1-1 બેઠક મળી છે.

ચૂંટણી પરિણામો બાદ લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પરિવારથી સંબંધ તોડવાની જાહેરાત કરી છે. એક પોસ્ટમાં તેણે રાજ્યસભા સાંસદ સંજય યાદવનો ઉલ્લેખ કરતાં લખ્યું કે હું સારો દોષ મારા પર લઈ રહી છું. તેમણે લખ્યું હતું કે હું રાજકારણ છોડું છું અને મારા પરિવારથી સંબંધ તોડું છું. સંજય યાદવ અને રમીઝે મને એવું કરવાની સલાહ આપી હતી અને હું સારો દોષ મારા પર લઈ રહી છું.

સંજય યાદવને તેજસ્વી યાદવના સલાહકાર તરીકે માનવામાં આવે છે. સંજય યાદવ રાજ્યસભા સાંસદ છે. રમીઝને પણ તેજસ્વીના નજીકના લોકોમાં ગણવામાં આવે છે. રોહિણી આચાર્યે 2024ની લોકસભા ચૂંટણીમાં રાજકીય ડેબ્યુ કર્યું હતું. તેણે RJDની પરંપરાગત સીટ “સરણ” પરથી ચૂંટણી લડી હતી, પરંતુ તેને પરાજય વેઠવો પડ્યો હતો. રાજીવ પ્રતાપ રૂડીએ રોહિણી આચાર્યને હરાવી હતી.