વિધાનસભ્યો બાદ હવે સાંસદો પણ બળવો કરશે?

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ મમતા બેનર્જીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તેમની પાર્ટી TMC હવે તૂટવાને આરે પહોંચી ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પહેલા TMCના 60 ધારાસભ્યોએ બળવો કર્યો હતો અને હવે એવી માહિતી છે કે TMCના 20 સાંસદો ભાજપ (BJP)ના સંપર્કમાં છે. સૂત્રોના જણાવ્યાનુસાર TMCના 20 સાંસદો પક્ષ બદલવાનો વિચાર કરી રહ્યા છે અને ભાજપ સાથે સતત સંપર્કમાં છે. સૂત્રોનું એવું પણ કહેવું છે કે આ સાંસદો સાથે ઉચ્ચ સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે અને તેમણે TMC છોડીને ભાજપમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

જો આવું થાય તો વિધાનસભા બાદ સંસદમાં પણ મમતા બેનર્જીને મોટો આંચકો લાગી શકે છે. હાલમાં સંસદમાં TMCના કુલ 41 સાંસદો છે, જેમાં લોકસભાના 28 અને રાજ્યસભાના 13 સભ્યોનો સમાવેશ થાય છે. જો સંસદમાં પણ પક્ષમાં તૂટફૂટ થાય તો તે મમતા બેનર્જી માટે જ નહીં, પરંતુ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન માટે પણ મોટો ફટકો સાબિત થઈ શકે છે. સંસદમાં ઇન્ડિયા ગઠબંધનમાં TMC બીજી સૌથી મોટી પાર્ટી માનવામાં આવે છે.

વિધાનસભામાં પહેલેથી જ તૂટફૂટ

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં TMCમાં પહેલેથી જ વિખવાદ ઊભો થયો છે. 60 બળવાખોર ધારાસભ્યોએ બુધવારે ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે પસંદ કર્યા હતા. વિધાનસભાના સ્પીકરે પણ તેમને સત્તાવાર રીતે વિપક્ષના નેતા તરીકે માન્યતા આપી છે. બળવાખોર જૂથે પોતાને “અસલી તૃણમૂલ” હોવાનું પણ જાહેર કરી છે.

મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી રહી છે

પાર્ટી સૂત્રોનું કહેવું છે કે આગામી દિવસોમાં લોકસભા અને રાજ્યસભામાં પણ વધુ તૂટફૂટ થઈ શકે છે. જો આવું બને તો બળવાખોર જૂથ વધુ મજબૂત બનશે. બીજી તરફ, મમતા બેનર્જીનું હાલમાં મુખ્ય ધ્યાન પાર્ટીનું નામ અને ચૂંટણી ચિહ્ન બચાવવા પર કેન્દ્રિત છે. મહારાષ્ટ્રમાં થયેલા રાજકીય વિખવાદના ઉદાહરણને જોતા આ કામ સરળ નથી માનવામાં આવતું.