નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એક વાર ચરમસીમાએ પહોંચી ગયો છે. છેલ્લા બે દિવસથી બંને દેશો વચ્ચે સતત હુમલાઓ થઈ રહ્યા છે. ઈરાનના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે જોડાયેલા સૈન્ય કમાન્ડે ગુરુવારે જાહેરાત કરી કે હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz) ફરી એક વાર બંધ કરવામાં આવી રહ્યો છે. ઈરાને ચેતવણી આપી છે કે જો કોઈ જહાજ કે નૌકા હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થવાનો પ્રયાસ કરશે તો તેના પર હુમલો કરવામાં આવશે.
હોર્મુઝ જળમાર્ગ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંનો એક છે. વિશ્વના મોટા ભાગના ઓઇલ પુરવઠાનો પરિવહન આ માર્ગ મારફતે થાય છે. આવી સ્થિતિમાં જો આ જળમાર્ગ ખરેખર બંધ થઈ જાય તો વિશ્વમાં ઊર્જા સંકટ ઊભું થઈ શકે છે અને ઓઇલના ભાવમાં ભારે વધારો જોવા મળી શકે છે.
એક તરફ ઈરાન હોર્મુઝ જળમાર્ગ બંધ હોવાનો દાવો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ અમેરિકાએ અલગ નિવેદન આપ્યું છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) અનુસાર હોર્મુઝ જળમાર્ગ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો નથી અને કોઈ પણ અમેરિકી નૌસેનાના જહાજ પર હુમલો થયો નથી. આ વિરોધાભાસી દાવાઓ વચ્ચે અમેરિકાએ ઈરાન પર ફરી એક વાર હુમલો કર્યો છે. ઈરાનના દક્ષિણ વિસ્તારોમાં અનેક વિસ્ફોટોના અહેવાલ મળ્યા છે. અહેવાલ અનુસાર કિશમ અને અન્ય ટાપુઓ પર પ્રોજેક્ટાઈલ પડતા મોટા વિસ્ફોટ થયા હતા. ઉપરાંત બંદર અબ્બાસ એરપોર્ટ નજીક પણ અનેક વિસ્ફોટોની માહિતી સામે આવી છે. અમેરિકાના આ હુમલાઓ બાદ ઈરાને કડક પ્રતિક્રિયા આપી છે. ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા આવનારા સમયમાં પણ આવી જ સૈન્ય કાર્યવાહી ચાલુ રાખશે તો તેને ગંભીર પરિણામો ભોગવવાં પડશે. ઈરાનનું કહેવું છે કે તે અમેરિકી હિતો સાથે જોડાયેલાં અન્ય સ્થળોને પણ નિશાન બનાવી શકે છે.
ઈરાનનો દાવો – હોર્મુઝ જળમાર્ગ સૌ માટે બંધ
ઈરાને દાવો કર્યો હતો છે કે તેણે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ હોર્મુઝ જળમાર્ગને તમામ પ્રકારનાં જહાજો, તેલ ટેન્કરો અને વેપારી વહાણો માટે તાત્કાલિક અસરથી બંધ કરી દીધો છે. ઈરાને ચેતવણી આપી છે કે આ માર્ગમાંથી પસાર થનારા કોઈ પણ જહાજ પર હુમલો થઈ શકે છે.




