બે દિવસની તેજી બાદ શેર બજાર ફરી ઘટાડા સાથે બંધ

બે દિવસની તેજી બાદ શેરબજારમાં ફરી વેચવાલી ફરી વળી છે. રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગના કારણે માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં એક ક્વાર્ટર ટકાનો વધારો કર્યા બાદ અને યુએસ શેરબજારમાં ભારે ઘટાડા છતાં ભારતીય બજારો સવારે તેજી સાથે ખુલ્યા હતા. પરંતુ યુરોપિયન માર્કેટમાં ઘટાડાની અસર બપોર બાદ ભારતીય બજારો પર પણ જોવા મળી હતી. બજાર બંધ થતાં BSE સેન્સેક્સ 290 પોઈન્ટ ઘટીને 57,925 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 75 પોઈન્ટ ઘટીને 17,077 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

આજના કારોબારમાં ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, હેલ્થકેર સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી. જ્યારે બેન્કિંગ, આઈટી, એનર્જી સેક્ટરના શેરો ઘટીને બંધ રહ્યા હતા. મિડકેપ અને સ્મોલ કેપ શેરો પણ લાલ નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 13 વધ્યા અને 17 નુકસાન સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાંથી 20 વધીને જ્યારે 30 ઘટીને બંધ થયા હતા.