નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ઈરાનને આકરી ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે હવે અથવા તો અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી થશે અથવા પછી અમેરિકા પોતાનું કામ પૂર્ણ કરશે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે જો અમેરિકા ઇચ્છે તો માત્ર એક કલાકમાં ઈરાનના મહત્વપૂર્ણ પૂલોને નષ્ટ કરી શકે છે.
તેમણે કહ્યું હતું કે તેઓ ઈરાન સાથે ફરી યુદ્ધ ઇચ્છતા નથી અને લશ્કરી કાર્યવાહી કરતાં સમજૂતીને વધુ પ્રાથમિકતા આપે છે. તેમણે કહ્યું હતું કે હું ઈરાન સાથે સમજૂતી કરવા માગું છું. હું નથી ઇચ્છતો કે 91 મિલિયન લોકોના જીવન પર અસર પડે. જો અમે ઇચ્છીએ તો એક કલાકમાં તેમની ઊર્જા પુરવઠા વ્યવસ્થાને ધ્વસ્ત કરી શકીએ છીએ. એક સમય એવો હતો જ્યારે તેમની પાસે ઘણું ધન હતું, પરંતુ હવે તેમની પાસે કંઈ રહ્યું નથી. અમે તેમને એક પણ પૈસો આપ્યો નથી.
અમેરિકા ઈરાન પાસેથી શું ઈચ્છે છે?
ટ્રમ્પના જણાવ્યા મુજબ અમેરિકાનો હેતુ ઈરાનની સરકારને હટાવવાનો નથી, પરંતુ તેને પરમાણુ હથિયારો બનાવતા રોકવાનો છે. તેના માટે અમેરિકા ઈચ્છે છે કે ઈરાન યુરેનિયમ સમૃદ્ધિકરણ (યુરેનિયમ એનરિચમેન્ટ) સંપૂર્ણપણે બંધ કરે. જોકે બંને દેશો વચ્ચે સંભવિત સમજૂતીની ચોક્કસ શરતો હજુ જાહેર થઈ નથી.

તેમણે દાવો કર્યો હતો કે તાજેતરમાં અમેરિકાએ કરેલા સૈન્ય હુમલાઓથી ઈરાનની સૈન્ય ક્ષમતાને ભારે નુકસાન પહોંચ્યું છે. તેમણે કહ્યું કે ઈરાન પાસે હજુ કેટલીક મિસાઇલો બાકી છે, પરંતુ જરૂર પડશે તો અમેરિકા તેને પણ નષ્ટ કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ પહેલી વાર નથી જ્યારે તેમણે આ પ્રકારની ચેતવણી આપી હોય. અમેરિકા સતત દબાણની વ્યૂહરચના અપનાવી રહ્યું છે. બીજી તરફ ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે ઝૂકવા તૈયાર નથી અને જો અમેરિકા હુમલો કરશે તો તેનો જોરદાર જવાબ આપવામાં આવશે.




