અમદાવાદ: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ખાસ પહેલ હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPI) ખાતેથી ‘હબ ઍન્ડ સ્પોક’ મોડેલ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. અમૃતસર અને વારાણસી બાદ આંતરરાષ્ટ્રીય પ્રવાસી ટ્રાફિક માટે આ સુવિધા ધરાવતું અમદાવાદ દેશનું ત્રીજું એરપોર્ટ બન્યું છે.
આ વ્યવસ્થા હેઠળ અમદાવાદથી પ્રયાણ કરતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના સામાનની તપાસ (Baggage Check-in), કસ્ટમ્સ અને ઇમિગ્રેશન સંબંધિત તમામ પ્રક્રિયાઓ હવે અમદાવાદ એરપોર્ટ પર જ પૂર્ણ થઈ જશે. તેના કારણે દિલ્હી કે દેશના અન્ય મુખ્ય હબ એરપોર્ટ પર ફ્લાઇટ બદલતી વખતે મુસાફરોને ફરીથી ચેક-ઇન, સિક્યોરિટી ચેકિંગ કે ઇમિગ્રેશનની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને સામાન પણ સીધો જ આખરી ફ્લાઇટમાં ટ્રાન્સફર થશે.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ ભારતના એવિએશન સેક્ટરને નવી ઊંચાઈ આપવા આ મોડેલ કાર્યરત કરાયું છે. આ સુવિધાથી અમદાવાદથી દિલ્હી મારફતે વિશ્વના આશરે ૧૫ આંતરરાષ્ટ્રીય ગંતવ્યો સાથે સીમલેસ કનેક્ટિવિટી મળશે, જે રાજ્યની વિશાળ NRI કમ્યુનિટી તેમજ વેપાર-ઉદ્યોગ ક્ષેત્ર માટે વરદાનરૂપ સાબિત થશે. તેમણે વધુમાં ઉમેર્યું કે દેશમાં આગામી ૧૦ વર્ષમાં ‘ઉડાન’ યોજના હેઠળ વધુ 100 એરપોર્ટ્સ વિકસાવવાનું લક્ષ્ય છે.
કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ઉડે દેશ કા આમ નાગરિક’ અભિગમની સરાહના કરતા જણાવ્યું કે અમદાવાદથી આ સેવા શરૂ થતાં આંતરરાષ્ટ્રીય મુસાફરોને ‘ઈઝ ઓફ ટ્રાવેલ’નો સીધો લાભ મળશે. ગિફ્ટ સિટી ખાતે એરક્રાફ્ટ લીઝિંગ-ફાયનાન્સિંગ અને ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટ જેવા પ્રોજેક્ટ્સથી ગુજરાત એવિએશન સેક્ટરનું પ્રમુખ કેન્દ્ર બની રહ્યું છે, જે જાન્યુઆરી ૨૦૨૭ની ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ માટે પણ અત્યંત ઉપયોગી નીવડશે.
આ પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, સિવિલ એવિએશન સચિવ સમીર સિંહા, અદાણી એરપોર્ટના ડાયરેક્ટર જીત અદાણી તેમજ એર ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.




