અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચ કસ્ટડીમાંથી ગુનેગારોના ભાગવાના કિસ્સામાં વધુ એક ઘટના સામે આવી છે. 25 કરોડના ચકચારી ડ્રગ્સ કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી કાફિલ અહેમદે પોલીસ પકડમાંથી નાસી છૂટવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સાંજે અંદાજે 4:30 વાગ્યાના અરસામાં સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં આ ઘટના બની હતી.
મેડિકલ ચેકઅપ માટે લઈ જવાતો હતો આરોપી
આરોપી કાફિલ અહેમદને રૂટિન મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન તેણે પોલીસ કાફલાને ચકમો આપીને અચાનક ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો અને મુખ્ય માર્ગ પર જ પોલીસ કર્મચારીઓ સાથે ભારે ઝપાઝપી શરૂ કરી દીધી હતી.
પોલીસ સાથે ઝપાઝપી થતાં ચલાવવી પડી ગોળી
આરોપી દ્વારા ભાગી છૂટવાના પ્રયાસ અને પોલીસ સાથેની મારામારી-ઝપાઝપી દરમિયાન પરિસ્થિતિ વણસી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને આરોપીને વધુ આગળ વધતો અટકાવવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. આ દરમિયાન ગોળી વાગવાથી આરોપી કાફિલ અહેમદના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી.
કડક સુરક્ષા વચ્ચે આગળની કાનૂની કાર્યવાહી શરૂ
ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક પહોંચ્યા હતા. પગમાં ઈજા પામેલા આરોપી કાફિલ અહેમદને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ ગંભીર ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની સુરક્ષા વધારી દીધી અને ડ્રગ્સ કેસની સાથે આ નવા પ્રકરણમાં પણ કડક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.






