ગાંધીનગર: પાટનગરને અમદાવાદ એરપોર્ટ સાથે જોડતા માર્ગ પર ભાટ ચાર રસ્તા પરનો નવીન કેબલ સ્ટેડ ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. જેને 5 જુલાઈના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાહન વ્યવહાર માટે ખૂલ્લો મૂક્યો છે. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડા દ્વારા 50-50 ટકાની ભાગીદારીથી આ નવીન ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ કરાયું છે. રૂપિયા 175 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ થયેલો 1.48 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ કેબલ સ્ટેડ ફ્લાય ઓવરબ્રિજ રાજ્યના શહેરી વિસ્તારનો સૌપ્રથમ કેબલ સ્ટેડ ફ્લાય ઓવરબ્રિજ છે.
મુખ્યમંત્રીએ આ બ્રિજના લોકાર્પણ સાથે ગાંધીનગર-અમદાવાદ કોરિડોર પર કોબા સર્કલથી ભાટે સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલના હાલના 6 લેન બ્રિજનું ટ્વેલ્વ લેનમાં રૂપાંતર કરવાની કામગીરીનું પણ ખાતમુર્હૂત કર્યું હતું. ટ્રાફિકજામના કારણે બોટલનેકની સર્જાતી સ્થિતિના નિવારણ માટે કોબા સર્કલથી ભાટ સર્કલ વચ્ચેના હાલના બ્રિજની બંન્ને બાજુ ત્રણ-ત્રણ લેનના નવા બ્રિજના નિર્માણ માટે રૂ. 48 કરોડનો પ્રોજેક્ટ રાજ્ય સરકારે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. આના પરિણામે સમગ્ર કોરિડોરમાં સતત છ લેનની ક્ષમતા જળવાઈ રહેશે અને ભવિષ્યના વધતા વાહન વ્યવહારને પણ સરળતાથી સંભાળી શકાશે. ગાંધીનર-કોબા-એરપોર્ટ રોડ અને એસ.પી. રિંગરોડ પર મળીને દરરોજ અંદાજે કુલ આશરે 1.93 લાખથી વધુ વાહનોની અવર-જવર રહે છે.
ગાંધીનગર-એરપોર્ટ રોડ પર આવેલું ભાટ સર્કલ મુખ્ય જંકશન હોવાના કારણે ત્યાં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે અને વાહનચાલકોના સમય, ઈંધણ અને નાણાંનો વ્યય થાય છે. હવે, આ નવા કેબલ સ્ટેડ બ્રિજ કાર્યરત થવાથી એસ.પી. રિંગ રોડનો ટ્રાફિક બ્રિજની નીચેથી તેમજ અમદાવાદ-ગાંધીનગર તરફનો ટ્રાફિક બ્રિજ ઉપરથી એમ બે અલગ-અલગ સ્તરે સરળતાથી અવર-જવર કરી શકશે અને લોકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે. એસ.પી. રિંગરોડ, બરોડા અને સુરત તરફ જતા વાહન ટ્રાફિકની સુગમતા માટે ત્રણ-ત્રણ એમ કુલ 6 લેન અલાયદા સર્વિસ રોડ પણ બનાવવામાં આવ્યા છે.




