ગાંધીનગર: આગામી વૈશ્વિક રમતગમત મહોત્સવોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. અમદાવાદ મેડિસિટી ખાતે અંદાજે રૂ. ૨૯૫ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ ‘સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટર’ની સ્થાપના કરવામાં આવશે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને આ પ્રોજેક્ટના આયોજન અને પ્રગતિ અંગે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.
ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ માટે આશીર્વાદરૂપ
ગુજરાત વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ અને વર્ષ ૨૦૩૬ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે પ્રયાસરત છે. આ વૈશ્વિક ઇવેન્ટ્સને ધ્યાનમાં રાખીને રાજ્યના રમતવીરોને આંતરરાષ્ટ્રીય સ્તરની તબીબી અને પુનર્વસન (રિહેબિલિટેશન) સુવિધાઓ ગુજરાતમાં જ મળી રહે તે હેતુથી આ સેન્ટર કાર્યરત કરાશે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, “અમારું લક્ષ્ય ગુજરાતને સ્પોર્ટ્સ મેડિસિન અને સ્પાઇન કેરનું ગ્લોબલ હબ બનાવવાનું છે.”
એક જ સ્થળે તમામ આધુનિક સુવિધાઓ અને સંશોધન
આ પ્રસ્તાવિત સંકુલમાં જટિલ સ્પાઇન સર્જરી, સ્પોર્ટ્સ ઇન્જરી કેર અને વર્લ્ડ ક્લાસ રિહેબિલિટેશન માટેની તમામ સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, અહીં સુપર-સ્પેશિયાલિસ્ટ તબીબો તૈયાર કરવા માટે અદ્યતન શૈક્ષણિક કોલેજો અને વૈશ્વિક સ્તરના રિસર્ચ (સંશોધન) સેન્ટરની પણ સ્થાપના કરવામાં આવશે.
સ્પાઈન સર્જરીમાં ‘ઝીરો ઇન્ફેકશન’ બદલ તબીબોને અભિનંદન
છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં સ્પાઈન સર્જરીમાં ઇન્ફેકશનનો એક પણ કેસ નોંધાયો નથી. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ આરોગ્ય મંત્રીએ ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટના તબીબો અને તેમની ટીમને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. સમીક્ષા બેઠકના અંતે મંત્રીએ પ્રોજેક્ટની કામગીરી ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.






