અમદાવાદ શહેરમાં આજે પરંપરા, અડગ આસ્થા અને કોમી એકતાના અનોખા સંગમ સમાન ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાનો ભારે હર્ષોલ્લાસ અને ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના આરાધ્ય દેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સવારે મંગળા આરતીનો લાભ લીધા બાદ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજા અને આરતી કરીને પ્રથમ ભગવાન જગન્નાથ, ત્યારબાદ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને ત્રણેય ભવ્ય રથોમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ પવિત્ર અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરવાની પરંપરાગત ‘પહિંદ વિધિ’ સંપન્ન કરી હતી, જેની સાથે જ ત્રણેય રથોએ નિજમંદિરથી ભક્તોના જયઘોષ વચ્ચે નગરચર્યા માટે પ્રસ્થાન કર્યું હતું.
Ahmedabad, Gujarat: The 149th annual Rath Yatra of Lord Jagannath will begin today from the Jagannath Temple in Jamalpur. The entire temple premises are illuminated with festive decorations, creating a Diwali-like atmosphere. Extensive security arrangements have been made, with… pic.twitter.com/QW3MZaPkNe
— IANS (@ians_india) July 15, 2026
અખાડા, ગજરાજ અને દેશભરના સાધુ-સંતોનું આકર્ષણ
ભગવાનની રથયાત્રાને લઈને સમગ્ર રૂટ પર ‘જય રણછોડ, માખણ ચોર’ અને હરિધૂનનો મધુર ગુંજારવ સંભળાઈ રહ્યો છે. રથયાત્રાની પરંપરા મુજબ, આ ભવ્ય યાત્રામાં સૌથી આગળ ગજરાજો (હાથીઓ) છે અને ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ તથા દેશભક્તિની ઝાંખી કરાવતી સુશોભિત ટ્રકો, અખાડા, ભજન મંડળીઓ અને સુરીલા બેન્ડવાજા જોડાયા છે. રથને ખેંચવા માટે ખલાસી ભાઈઓ વહેલી સવારથી જ મંદિરમાં મુસ્તૈદ જોવા મળ્યા હતા. આ આસ્થાના મહાકુંભમાં ભાગ લેવા માટે હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજ્જૈન અને જગન્નાથપુરી સહિત દેશના ખૂણે-ખૂણેથી પધારેલા સાધુ-સંતો પણ ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વિવિધ સમાજો દ્વારા રથયાત્રાનું પુષ્પોથી ઉષ્માભર્યું સ્વાગત કરાઈ રહ્યું છે અને ઠેર-ઠેર પ્રસાદ તેમજ સેવાકીય કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે.
Ahmedabad, Gujarat: Union Home Minister Amit Shah arrived at the Jagannath Temple with his family to attend the Mangala Aarti, while Deputy CM Harsh Sanghavi also visited the temple premises ahead of the 149th Jagannath Rath Yatra. The grand procession will begin from the… pic.twitter.com/WAcjGHhQqp
— IANS (@ians_india) July 15, 2026
30,000 જવાનો અને કમાન્ડોની અભૂતપૂર્વ સુરક્ષા
લાખોની મેદની ધરાવતી આ રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવી તે પોલીસ પ્રશાસન માટે હંમેશા એક મોટો પડકાર હોય છે. આ પડકારને પહોંચી વળવા માટે સમગ્ર રૂટ પર અભૂતપૂર્વ અને લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર રૂટ પર સ્થાપિત અને ગતિશીલ પેટ્રોલીંગ હેઠળ 30,000થી વધુ પોલીસ કર્મચારીઓ, 15 SRPF કંપનીઓ અને 9 પેરામિલિટરી ફોર્સની ટુકડીઓ તૈનાત છે. સુરક્ષાની કમાન્ડ PSIથી લઈને IPS સ્તરના અંદાજે 1,000 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજ્યના ચુનંદા કમાન્ડોના હાથમાં છે, જેઓ દરેક પોઈન્ટ પર સતત સુપરવિઝન કરી રહ્યા છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે દરેક સંવેદનશીલ સ્થળોએ ચેકિંગ પોઈન્ટ્સ અને બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.
Ahmedabad, Gujarat: Bomb Squad and Dog Squad personnel conduct a thorough security inspection of the Rath ahead of the 149th Lord Jagannath Rath Yatra, as authorities tighten security arrangements for the grand procession. pic.twitter.com/FlmLNYidMa
— IANS (@ians_india) July 15, 2026
ગુનેગારો ખેરખાર, AI અને ફેશિયલ રેકગ્નિશન રાખશે બાજ નજર
ભીડભાડ વાળા વિસ્તારોમાં ઘણીવાર સક્રિય થઈ જતી ખિસ્સાકાતરૂ (પીકપોકેટ્સ) અને અસામાજિક તત્વોની ટોળકીને નાથવા માટે આ વર્ષે પોલીસે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ મોર્ડન સિસ્ટમમાં આશરે 65,000 જેટલા હિસ્ટ્રીશીટર્સ અને વોન્ટેડ પીકપોકેટ્સનો ડેટાબેઝ લોડ છે. જો ભીડમાં કોઈ પણ શંકાસ્પદ કે વોન્ટેડ ગુનેગાર કેમેરાની નજરે ચડશે, તો સિસ્ટમ તુરંત પોલીસ કંટ્રોલ રૂમને એલર્ટ મોકલશે, જેથી તેને તત્કાલ ઝડપી પાડી શકાશે.
મંદિર પરિસરમાં ભક્તિનો રંગ અને ખીચડા પ્રસાદ
મંગળા આરતીના પવિત્ર દર્શન બાદ મંદિર પરિસરમાં ભક્તિનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. શ્રદ્ધાળુઓ ભગવાનના વિશેષ મહાપ્રસાદ એવા ‘ખીચડા પ્રસાદ’ના દર્શન અને તેને ગ્રહણ કરવા માટે ભારે આતુર દેખાઈ રહ્યા છે. ઉત્તરોત્તર વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા તેમજ વ્યવસ્થિત લાઈન વ્યવસ્થાની ચુસ્ત ગોઠવણ કરવામાં આવી છે, જેથી દરેક નાગરિક શાંતિપૂર્વક દર્શનનો લાભ લઈ શકે.




