અમદાવાદની 149મી રથયાત્રા: હાઇટેક સુરક્ષા અને 30,000 જવાન તૈનાત

અમદાવાદ: શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રાને લઈને નાગરિકોમાં અદભુત ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક રથયાત્રા સંપૂર્ણપણે સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસન દ્વારા લોખંડી આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.આ સમીક્ષા બેઠક અને નિરીક્ષણ દરમિયાન રાજ્ય પોલીસ વડા જી.એસ.મલિક, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ રૂટના સંવેદનશીલ પોઇન્ટ્સ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ઇમરજન્સી સેવાઓના આગોતરા આયોજન અંગે અધિકારીઓ સાથે ઝીણવટભરી ચર્ચા કરી હતી.

૧૬.૨ કિલોમીટર લાંબો પરંપરાગત રૂટ અને આકર્ષણો

પત્રકારો સાથે વાતચીત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની આ ૧૪૯મી રથયાત્રા તેના પરંપરાગત ૧૬.૨ કિલોમીટર લાંબા રૂટ પર ભ્રમણ કરશે. આ વર્ષે રથયાત્રામાં મુખ્ય ૩ રથોની સાથે,

  • ૧૮ ગજરાજ (હાથીઓ)

  • ૧૦૩ ભવ્ય ટ્રકો

  • ૩૦ અખાડા અને વિવિધ ભજન મંડળીઓ જોડાશે.૩૦,૦૦૦થી વધુ જવાનોની લોખંડી સુરક્ષા

રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત બનાવવા માટે સમગ્ર રૂટને ૨૬ રેન્જ, ૫૩ એરિયા અને ૧,૩૯૭ પોઈન્ટ્સમાં વહેંચી દેવામાં આવ્યો છે. સુરક્ષા કાફલામાં:

  • ૧૦ આઇજી/ડીઆઇજી, ૪૨ ડીસીપી અને ૮૮ એસીપી સ્તરના અધિકારીઓ

  • ૩૦,૦૦૦થી વધુ પોલીસ જવાનો

  • ૧૫ એસઆરપીએફ (SRPF) ની કંપનીઓ

  • ૯ સેન્ટ્રલ પેરામિલીટરી ફોર્સની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

AI અને ૩D મેપિંગ જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ

આ વર્ષે રથયાત્રામાં સ્માર્ટ પોલિસિંગ અંતર્ગત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), વર્ચ્યુઅલ રિયાલિટી (VR) અને ૩D મેપિંગ જેવી ડિજિટલ ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે:

  • લાઈવ સર્વેલન્સ: ૧૦૦થી વધુ ડ્રોન દ્વારા સમગ્ર રૂટ પર આકાશમાંથી નજર રાખવામાં આવશે.

  • AI ફેસ રેકગ્નિશન કેમેરા: શંકાસ્પદ તત્વો અને ગુનેગારોને તુરંત ઝડપી પાડવા માટે સ્પેશિયલ AI કેમેરા ગોઠવાયા છે.

  • ગજરાજ મોનિટરિંગ: હાથીઓની દેખરેખ માટે GPS, સીસીટીવી અને ડેસિબલ મીટરનો ઉપયોગ કરાશે.

  • અન્ય સાધનો: સુરક્ષા વ્યવસ્થાના સચોટ મોનિટરિંગ માટે બોડી વોર્ન કેમેરા, હાઇટેક વાયરલેસ સિસ્ટમ, એઆઈ વોઇસ બોટ અને એન્ટી-ડ્રોન ગન તૈનાત કરાઈ છે.નાયબ મુખ્યમંત્રીની નગરજનોને અપીલ

    નાયબ મુખ્યમંત્રીએ શહેરીજનોને શાંતિપૂર્ણ રીતે, કોઈ પણ પ્રકારની ધક્કામુક્કી વગર ભગવાનના દર્શન કરવા વિનંતી કરી છે. સાથે જ સુરક્ષાના આગોતરા પગલાંરૂપે રૂટ પર આવેલી જર્જરિત કે ભયજનક ઈમારતો પર ચઢવાનું ટાળવા ખાસ અપીલ કરી છે. ટેકનોલોજી અને માનવબળના ઉત્કૃષ્ટ સમન્વયથી આ પર્વ કોઈ પણ વિઘ્ન વગર સંપન્ન થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

    સામાજિક ભાઈચારો અને પ્રોત્સાહન

પોલીસ વિભાગે છેલ્લા એક મહિનાથી તમામ સમુદાયો સાથે શાંતિ સમિતિની બેઠકો અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ યોજીને શહેરમાં કોમી એકતા અને ભાઈચારાનું અદભુત વાતાવરણ ઊભું કર્યું છે, જે બદલ મંત્રીએ પોલીસ વિભાગને બિરદાવ્યો હતો. રૂટ નિરીક્ષણ દરમિયાન સ્થાનિક સ્તરે યોજાયેલી ચિત્ર સ્પર્ધાના વિજેતા બાળકોને નાયબ મુખ્યમંત્રીના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.

આ રૂટ નિરીક્ષણ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર હિતેશભાઈ બારોટ, સાંસદ દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય કૌશિક જૈન, શહેર પ્રમુખ પ્રેરકભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.