અમદાવાદની નવનિર્મિત આરટીઓ કચેરીનું લોકાર્પણ

અમદાવાદ: શહેરમાં અત્યાધુનિક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોને ટેકનોલોજી આધારિત, પારદર્શક અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. નવી આર.ટી.ઓ. કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ સહિતની વિવિધ સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે.

તેમણે જણાવ્યું કે ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકથી લાયસન્સ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા આવશે અને માત્ર યોગ્યતા ધરાવતા અરજદારોને જ ડ્રાઇવિંગ લાયસન્સ મળશે. સરકારની તમામ સુવિધાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચે તે માટે જનપ્રતિનિધિઓ અને તંત્રે સંકલનથી કાર્ય કરવું જરૂરી છે. નાયબ મુખ્યમંત્રીએ નાગરિકોને નવી આર.ટી.ઓ. કચેરીને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવા અપીલ કરતાં જણાવ્યું કે જાહેર સંપત્તિનું જતન કરવું એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે.

ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે નિર્માણ પામેલી આ આધુનિક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની (RTO) કચેરી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. વાહનના નોન-ટ્રાન્સપોર્ટ અને ટ્રાન્સપોર્ટ સંબંધિત કામો, નવા વાહનની નોંધણી, પરમિટ, ફિટનેસ, બ્લેકલિસ્ટ, લાયસન્સ, ડી.એલ./ચલણ શાખા, આર.એમ.એ., AMC ટેક્સ તથા કેશ શાખા સહિતની વિવિધ સેવાઓ માટે અલગ-અલગ ટેબલો દ્વારા નાગરિકોને સરળ, ઝડપી અને સુવ્યવસ્થિત સેવાઓ મળી રહે તેવી સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. જેનાથી વિવિધ સેવાઓ એક જ સ્થળે વધુ સરળ, ઝડપી અને પારદર્શક રીતે ઉપલબ્ધ બનશે.

આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશભાઇ બારોટ, સાંસદ દિનેશભાઇ મકવાણા, શહેર પ્રમુખ પ્રેરકભાઈ શાહ, ધારાસભ્યો જીતેન્દ્રભાઈ પટેલ (ભગત), અમિતભાઇ ઠાકર, કૌશિકભાઈ જૈન, હર્ષદભાઈ પટેલ, ડૉ. હસમુખભાઈ પટેલ, બાબુભાઇ પટેલ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ હારીત શુક્લ, વાહન વ્યવહાર કમિશનર ડૉ. રાજેન્દ્રકુમાર સહિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.