અમદાવાદ: રક્ષાબંધનના દિવસે રેશમની દોરીથી બહેન ભાઇને રાખડી બાંધી આશિર્વાદ આપે અને ભાઇ દ્વારા જીવન પર્યંત તમામ પ્રકારના રક્ષણની બાંહેધરી અપાય. પરંતુ અમદાવાદમાં 3 ઓગષ્ટને રવિવારે સમાનતા ફાઇન્ડેશનના ભાઇઓએ અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી. સમાજના દરેક ક્ષેત્રમાં કામ કરતાં સમાનતા ફાઉન્ડેશન સાથે સંકળાયેલા ભાઇઓએ અમદાવાદના કેટલાક પોલીસ સ્ટેશનોમાં જઇ મહિલા કર્મચારીઓને રાખડી બાંધી.ભાઇઓએ બહેનોને રાખડી બાંધવાના આ કાર્યક્રમ વિશે સુરક્ષા દળના નિવૃત અધિકારી વસંતભાઇ કહે છે, “આજે મહિલા સશક્તિરણનો સમય આવી ગયો છે. મહિલાઓ પણ તમામ વિભાગોમાં ઘણાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. કેટલીક પરિસ્થિતિમાં પુરુષો પણ ખોટાં કેસો દ્વારા મહિલાઓથી પીડા ભોગવી રહ્યા છે. આવા સમયે સરકારના વિવિધ વિભાગોમાં બેઠેલી મહિલાઓ પુરુષોની મદદે આવે અને સાચો માર્ગ બતાવે, ન્યાય અપાવે એ માટે આ રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.”
વસંતભાઇ કહે છે, “અમારી સંસ્થાના ભાઇઓએ ચાંદખેડા, સાબરમતી, રાણીપ, સુભાષબ્રિજ જેવા પોલીસ સ્ટેશનો પર જઇ મહિલા કર્મચારીઓને રાખડી બાંધી હતી. સમાનતાના આ બંધન સાથે મહિલા કર્મચારીઓનું સર્ટિફિકેટ સાથે બહુમાન કરવામાં આવ્યું હતું.”
(પ્રજ્ઞેશ વ્યાસ- અમદાવાદ)
