WSRO નેશનલમાં શાંતિ એશિયાટિક સ્કૂલના વિદ્યાર્થીઓ ‘જજ ચોઈસ એવોર્ડ’ જીત્યા

અમદાવાદ: ગોવા ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત ‘વર્લ્ડ સ્ટેમ એન્ડ રોબોટિક્સ ઓલિમ્પિયાડ’ (WSRO) નેશનલ સ્પર્ધામાં અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ (શેલા)ના વિદ્યાર્થીઓએ પોતાની વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રની પ્રતિભાનો પરચો બતાવી શાળા તથા શહેરનું નામ રોશન કર્યું છે.

શાળાની ઉત્સાહી વિદ્યાર્થીઓની ટીમે આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાની ‘રોબો બ્લિક્સ પ્રસિસન’, ‘યંગ સાયન્ટિસ્ટ’ અને ‘સ્માર્ટ ફેક્ટરી રોબોટિક્સ ચેલેન્જ’ એમ ત્રણ અલગ-અલગ જટિલ કેટેગરીમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દેશભરમાંથી આવેલી અનેક ટીમો વચ્ચે અમદાવાદના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

જેમાં ‘સ્માર્ટ ફેક્ટરી રોબોટિક્સ ચેલેન્જ’માં રુદ્ર વડાલીયા, અથર્વ મહાજન અને વેદ મુકાદમની ટીમે પોતાની રોબોટિક્સ ક્ષમતા દર્શાવી હતી. જ્યારે ‘યંગ સાયન્ટિસ્ટ’ કેટેગરીમાં શર્વિલ જોશીએ પોતાના વિનોવેટિવ આઇડિયાથી નિર્ણાયકોને પ્રભાવિત કર્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓએ ‘જજ ચોઇસ કેટેગરી’માં વિજેતા બનીને મોટી સફળતા હાંસલ કરી છે.આ રાષ્ટ્રીય સફળતા બાદ હવે આ તમામ વિજેતા વિદ્યાર્થીઓ આગામી સમયમાં યોજાનારી ‘WSRO ઇન્ટરનેશનલ’ સ્પર્ધામાં ભાગ લેશે અને વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. શાળા પરિવાર અને વાલીઓએ વિજેતા વિદ્યાર્થીઓને તેમની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.