અમદાવાદ: શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી પર આવેલા ઐતિહાસિક વાસણા બેરેજના આધુનિકીકરણની કામગીરી જળસંપત્તિ વિભાગ દ્વારા માત્ર ૩૫ દિવસના રેકોર્ડ બ્રેક સમયમાં પૂર્ણ કરવામાં આવી છે. રૂ. ૧૦.૧૫ કરોડના ખર્ચે ૧૯ નવા દરવાજા નાખવાનું અને ૧૦ ગેટનું રીપેરીંગ કામ સફળતાપૂર્વક પૂરું થતાં જ સાબરમતી નદીમાં ફરીથી પાણી ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
વર્ષ ૧૯૭૬માં નિર્માણ પામેલો વાસણા બેરેજ અમદાવાદ શહેર માટે પૂર નિયંત્રણ અને જળ વ્યવસ્થાપનનું એક અત્યંત મહત્વપૂર્ણ માળખું છે. વર્ષ ૨૦૨૫માં ડેમ-સેફ્ટી એક્ટ હેઠળ કરાયેલા પ્રિ-મોન્સુન નિરીક્ષણ દરમિયાન બેરેજના દરવાજાઓના નવીનીકરણની ભલામણ કરાઈ હતી. જેને પગલે લાંબાગાળાની સુરક્ષાને ધ્યાને રાખીને ગત ૧૭ એપ્રિલ ૨૦૨૬થી બેરેજમાંથી પાણી સંપૂર્ણ ખાલી કરી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ હતી.
સામાન્ય રીતે આ પ્રકારના જટિલ કામમાં ૪ થી ૫ મહિનાનો સમય લાગતો હોય છે, પરંતુ યાંત્રિક શાખાએ દરવાજાના વિવિધ ભાગોની ફેબ્રીકેશન કામગીરી અગાઉથી ચાર માસમાં પૂર્ણ કરી લીધી હતી. ત્યારબાદ, પાંચ હેવી ડ્યુટી મોબાઇલ ક્રેનની મદદથી માત્ર ૩૫ દિવસના ટૂંકા ગાળામાં ૧૯ દરવાજા બદલવાની અને ૧૦ ગેટના રીપેરીંગનું મિશન પાર પાડ્યું હતું. આ સમગ્ર કામગીરીમાં કુલ ૪૬૦ મેટ્રીક ટન સ્ટ્રકચરલ સ્ટીલનો ઉપયોગ કરાયો છે, તેમજ સિવિલ વિભાગ દ્વારા હયાત સિવિલ સ્ટ્રકચરના મજબૂતીકરણનું કામ પણ સાથે જ કરવામાં આવ્યું છે.
ચોમાસું નજીક છે ત્યારે આ કામગીરી સમયસર પૂર્ણ થવાથી ડેમની સલામતીમાં વધારો થશે. આ સાથે જ આગામી સમયમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે.






