અમદાવાદ: ઝાયડસ હોસ્પિટલને ‘ધ વીક’ (The Week) અને ‘હંસા રિસર્ચ’ (Hansa Research) દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં સતત આઠમી વખત શહેરની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. છેલ્લા આઠ વર્ષથી આ પ્રતિષ્ઠિત સન્માન જાળવી રાખવા બદલ ઝાયડસ હોસ્પિટલે તમામ દર્દીઓ, તબીબો અને નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો છે.
આ સમારોહમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો – વિજ્ઞાન અને ટેકનોલોજી તથા પૃથ્વી વિજ્ઞાન) ડૉ. જિતેન્દ્ર સિંહના હસ્તે આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. તમિલનાડુના આરોગ્ય, તબીબી શિક્ષણ અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. કે.જી. અરુણરાજ તેમજ ગગનયાન મિશન માટે નિયુક્ત ભારતીય અવકાશયાત્રી એર કોમોડોર પ્રશાંત નાયર કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. અરુણરાજે તમિલનાડુની વર્તમાન આરોગ્ય પરિસ્થિતિ વિશે વાત કરી હતી, જ્યારે એર કોમોડોર પ્રશાંત નાયરે “ધ આર્ટ ઓફ ફિટનેસ” વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
ઝાયડસ હોસ્પિટલની આ સફળતા પાછળ નિષ્ણાત તબીબોની ટીમ, વ્યાપક નિદાન સેવાઓ, અત્યાધુનિક ટેકનોલોજી, પારદર્શક નીતિઓ અને હેલ્થકેર રિસર્ચનું મહત્વનું યોગદાન રહ્યું છે. પશ્ચિમ ભારતમાં તબીબી સેવાઓના વિશાળ પોર્ટફોલિયો સાથે ઝાયડસે રોબોટિક સર્જરી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, પલ્મોનોલોજી અને ઓન્કોલોજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે.
ખાસ કરીને લિવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ, બોન મેરો અને જટિલ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીમાં હોસ્પિટલ અગ્રેસર રહી છે. નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ જેવી આધુનિક સુવિધાઓ ઉપરાંત ‘સ્ટ્રોક ફ્રી ગુજરાત’, “ઝીરો ઈઝ ધ હીરો” અભિયાન અને નર્સિંગ ટીમના ઝીરો-ટોલરન્સ પ્રોટોકોલને કારણે દર્દીઓની સુરક્ષા અને સારવારની ગુણવત્તામાં નવા માપદંડો સ્થાપિત થયા છે.




