દીકરીઓનો અંગ્રેજીનો ડર દૂર કરવા માટે AIનો ઉપયોગ કરતા શિક્ષિકા

ભરૂચ: ગુજરાતની સરકારી શાળાઓ આજે આધુનિકતા તરફ ઝડપથી આગળ વધી રહી છે. જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ભરૂચ તાલુકાની મનુબર પ્રાથમિક કન્યા શાળામાં જોવા મળે છે. અહીં ગ્રીન સ્ક્રીન એ માત્ર ટેકનોલોજીનું સાધન નથી, પરંતુ દીકરીઓ માટે અંગ્રેજી શીખવા અને પોતાનો આત્મવિશ્વાસ કેળવવાનો એક સશક્ત મંચ બની ગયું છે. શાળાના ભાષા-શિક્ષિકા હેતલબેન રાણાના અનોખા પ્રયોગોના કારણે જે દીકરીઓ અગાઉ અંગ્રેજી બોલવામાં સંકોચ અનુભવતી હતી, તેઓ આજે કેમેરા સામે આત્મવિશ્વાસ સાથે અંગ્રેજી બોલે છે અને અભિનય કરે છે.

વર્ગખંડ બન્યો ફિલ્મ સ્ટુડિયો

વર્ષ 2022-23માં હેતલબેને વર્ગખંડના એક ભાગને નાના ફિલ્મ સ્ટુડિયોમાં ફેરવી નાખ્યો. દીકરીઓ ગ્રીન સ્ક્રીન સામે ઊભી રહીને અંગ્રેજીમાં સંવાદો બોલે છે. ત્યારબાદ Plotagon, Arloopa તથા AI એપ્લિકેશન્સની મદદથી ગ્રીન બેકગ્રાઉન્ડ હટાવીને તેમને કાર્ટૂન પાત્રો કે આકર્ષક સ્થળો સાથે જોડી દેવાય છે. આ પ્રયોગથી અંગ્રેજી શીખવું પ્રશ્ન-જવાબ આપવાને બદલે એક રસપ્રદ અભિનય રમત બની ગયું છે.

ડિજિટલ શિક્ષણ અને શૈક્ષણિક પ્રદાન

હેતલબેને Wordwall અને AIની મદદથી વિષય આધારિત શૈક્ષણિક રમતો તૈયાર કરી છે. જેનાથી કલાકોનું કામ મિનિટોમાં થાય છે. વાંચન-લેખનમાં મુશ્કેલી અનુભવતા બાળકો માટે તેમણે ‘ક’ થી ‘જ્ઞ’ સુધીની FLN ડિજિટલ ગેમ્સ બનાવી છે, જેમાં ‘લીડર બોર્ડ’ હોવાથી વિદ્યાર્થીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા પ્રોત્સાહિત થાય છે. આ ઉપરાંત, તેમણે DIET કક્ષાએ માસ્ટર ટ્રેનર તરીકે યોગદાન આપ્યું છે, GCERT ના ‘જીવન શિક્ષણ’ સામયિકમાં લેખો લખ્યા છે, NCERT મોડ્યુલ ‘MOTHERS OF DEMOCRACY’ ના પુસ્તકોનો ભાવાનુવાદ કર્યો છે તેમજ ‘દિક્ષા’ એપ પર સ્થાનિક લોકબોલી આધારિત કોર્સ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

પ્રેરણા અને કારકિર્દી

પોતાની માતાને જોઈને શિક્ષક બનવાનું સપનું સેવનાર હેતલબેને વર્ષ 2007માં નેત્રંગની કન્યા શાળાથી વિદ્યાસહાયક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. નોકરીની સાથે અંગ્રેજીમાં અનુસ્નાતક (Master Degree) પૂરું કરીને તેઓ 2013થી ભાષા શિક્ષક તરીકે કાર્યરત છે અને છેલ્લા 12 વર્ષથી મનુબર કન્યા શાળામાં સેવા આપી રહ્યા છે.

શાળા અને સમુદાયનો વિકાસ

હેતલબેનનું યોગદાન માત્ર અભ્યાસ પૂરતું સીમિત નથી. તેમણે ગ્રામજનો અને એનઆરઆઈ (NRI)ના સહયોગથી શાળામાં વોટર ફિલ્ટર પ્લાન્ટ, બ્લોક અને શેડનું નિર્માણ કરાવ્યું છે તેમજ પરિસરમાં ફળાઉ વૃક્ષો વાવી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો છે.

શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-2026’

તેમના બે દાયકાના સમર્પણ અને ટેકનોલોજીકલ પ્રયોગોની સત્તાવાર નોંધ લેતાં ગુજરાત સરકાર દ્વારા તેમની પસંદગી ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-2026’ માટે કરવામાં આવી છે. હેતલબેન માને છે કે, “AI શિક્ષકનો વિકલ્પ નથી, પણ શિક્ષણને સરળ અને રસપ્રદ બનાવવાનું સાધન છે.” વીડિયો બન્યા પછી ગ્રીન સ્ક્રીન ભલે અદ્રશ્ય થઈ જાય, પરંતુ દીકરીઓમાં જાગેલો આત્મવિશ્વાસ કાયમ તેમની સાથે રહે છે.