એર ઈન્ડિયાની ભોપાલ-દિલ્હી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

ભોપાલથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI1886 માં અચાનક ટેકનિકલ ખામી સર્જાતાં વિમાનનું જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું છે. આકાશમાં ઉડાન દરમિયાન જ વિમાનના એન્જિનમાં ગડબડ થઈ હોવાની જાણ થતાં પાયલોટે તુરંત સુરક્ષાના કારણોસર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક કર્યો હતો અને ફ્લાઈટને દિલ્હી લઈ જવાના બદલે જયપુર તરફ ડાયવર્ટ કરવાનો સાવચેતીભર્યો નિર્ણય લીધો હતો.

ભોપાલથી સવારે ભરી હતી ઉડાન

મળતી માહિતી મુજબ, એર ઈન્ડિયાની આ ફ્લાઈટે ભોપાલના રાજા ભોજ એરપોર્ટથી સવારે 8:47 વાગ્યે દિલ્હી માટે ટેક-ઓફ કર્યું હતું. નિયમ મુજબ આ પ્લેનને સવારે 9:55 વાગ્યે દિલ્હી ઉતરવાનું હતું. જોકે, હવામાં જ એન્જિનમાં ક્ષતિ જણાયા બાદ જયપુર એરપોર્ટ પર તમામ સુરક્ષા ઈમરજન્સી પ્રોટોકોલ સાથે વિમાનનું સલામત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. હાલ ટેકનિકલ ટીમ અને ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વિમાનની ચકાસણી કરવામાં આવી રહી છે.

અગાઉ ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકીથી અમદાવાદમાં થયું હતું લેન્ડિંગ

વિમાનોમાં ઇમરજન્સી લેન્ડિંગનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી. આ અગાઉ લખનૌથી સાઉદી અરેબિયાના દમ્મામ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E97 માં બોમ્બ હોવાની કાગળ પર લખેલી ચિઠ્ઠી મળતાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ સિવાય 31 ઓગસ્ટે પણ દમ્મામથી દિલ્હી આવતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટને પણ ફેક બોમ્બ થ્રેટના કારણે અમદાવાદ ડાયવર્ટ કરવી પડી હતી. હાલ એર ઈન્ડિયાની જયપુર લેન્ડ થયેલી ફ્લાઈટના તમામ યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હોવાના અહેવાલ છે.