અમદાવાદ: શહેરના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના સામે આવી છે. સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતા સમયે એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ ક્રેશ થઈ છે. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું.
પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈ.જી.બી. કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ત્રણ ગાડી અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથા આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો.
આ દરમિયાન ઈજાગ્રસ્તોની સહાય માટે તાત્કાલિક ધોરણે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ પહોંચી ગઇ છે. અનેક ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ રહ્યા છે. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસ અને સેનાના જવાનો પણ બચાવકાર્ય માટે પહોંચી ગયા છે. ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે. જેને પગલે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
