કાબુલઃ પાકિસ્તાન સતત અફઘાનિસ્તાનને નિશાન બનાવી રહ્યું છે. સોમવારે રાત્રે પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વિવિધ સ્થળોએ એર સ્ટ્રાઈક કર્યા. પાકિસ્તાનનું કહેવું છે કે તેણે કાબુલમાં સૈન્ય સ્થાનોને નિશાન બનાવ્યાં હતાં, જ્યારે તાલિબાને આરોપ મૂક્યો છે કે એક હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી હતી.
તાલિબાનના હવાલાથી જણાવવામાં આવ્યું હતું કે આ હુમલામાં 400થી વધુ લોકોનાં મોત થયાં છે. જે હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી હતી, ત્યાં નશાની લત ધરાવતા દર્દીઓની સારવાર ચાલી રહી હતી. તાલિબાનના આ આરોપોને પાકિસ્તાન તરફથી નકારી કાઢવામાં આવ્યા છે. પાકિસ્તાનનું કહેવું છે કે તેણે પૂર્વી અફઘાનિસ્તાનમાં કોઈ નાગરિક સ્થળોને નિશાન બનાવ્યા નથી.
પાકિસ્તાને આરોપો નકારી કાઢ્યા
તાલિબાન સરકારના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે સ્થાનિક ન્યૂઝ ચેનલોને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હુમલામાં માર્યા ગયેલા મોટા ભાગના લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન સાથેની કૂટનીતિનો સમય હવે પૂર્ણ થયો છે અને આ હુમલાનો બદલો જરૂર લેવામાં આવશે. જોકે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફના પ્રવક્તા મોશર્રફ ઝૈદીએ આ આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું હતું કે કાબુલમાં કોઈ હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી નથી.
પાકિસ્તાનના માહિતી મંત્રાલયે X પર કરેલી પોસ્ટમાં જણાવ્યું કે તેમની સેનાએ ચોક્કસ રીતે સૈન્ય ઠેકાણા અને આતંકવાદી આધારભૂત માળખાને નિશાન બનાવ્યાં હતાં. તેમણે કહ્યું કે નિશાન બનાવેલાં સ્થળોમાં અફઘાન તાલિબાનનાં ટેક્નિકલ સાધનો અને ગોળા-બારુદના ભંડાર સામેલ હતા.

પાકિસ્તાનના માહિતી મંત્રાલયે વધુમાં જણાવ્યું કે કાબુલ અને નંગરહાર વિસ્તારમાં રહેલા અફઘાનિસ્તાનમાં સ્થિત પાકિસ્તાની આતંકવાદીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનનું કહેવું છે કે આ ઠેકાણાઓનો ઉપયોગ પાકિસ્તાની નાગરિકો સામે કરવામાં આવી રહ્યો હતો.




