એર ઈન્ડિયાની ફ્લાઇટમાં એર ટર્બ્યુલન્સ, અનેક પેસેન્જરો ઘાયલ

નવી દિલ્હી: થાઈલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI2379 ને ઉડાન દરમિયાન થોડા સમય માટે ટર્બ્યુલન્સ (હવામાં લાગતા ઝટકાઓ)નો સામનો કરવો પડ્યો હતો. તેને કારણે વિમાનને અચાનક જોરદાર આંચકા લાગ્યા હતા. આ ઘટનામાં ઘણા મુસાફરોને ઈજા થઈ હોવાની માહિતી મળી છે,  જોકે સત્તાવાર આંકડો હજુ જાહેર થયો નથી.

હવામાં 300 ફૂટ નીચે ઊતરી ગયું વિમાન

ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે જોરદાર પવનના આંચકા (ટર્બ્યુલન્સ)ને કારણે વિમાન અચાનક લગભગ 300 ફૂટ નીચે આવી ગયું. આ ઘટનામાં કેટલાક મુસાફરો અને ક્રૂ સભ્યોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. નિષ્ણાતોના મતે આ ઘટના ટર્બ્યુલન્સ અથવા હવામાં ઉપર-નીચે થતી હવાની લહેરો (અપડ્રાફ્ટ/ડાઉનડ્રાફ્ટ)ને કારણે બની હોઈ શકે છે. આ ફ્લાઇટ સવારે 8:25 વાગ્યે ફુકેટથી રવાના થઈ હતી અને ભારતીય સમય મુજબ સવારે 11:50 વાગ્યે દિલ્હીમાં સુરક્ષિત રીતે ઊતરી હતી. લેન્ડિંગ બાદ તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર આવ્યા હતા.

ઘણા મુસાફરોને પહોંચી ઈજા

એર ઈન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ચોથી ઓગસ્ટે ફુકેટથી દિલ્હી જતી ફ્લાઇટ AI2379 ને ઉડાન દરમિયાન થોડા સમય માટે ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો, જેને કારણે વિમાનની ઊંચાઈમાં અચાનક થોડો ફેરફાર થયો હતો. વિમાન દિલ્હીમાં સુરક્ષિત રીતે ઊતર્યું અને તમામ મુસાફરો તથા ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે બહાર આવ્યા હતા.

ગંભીર ઈજાના અહેવાલો પણ સામે આવ્યા

આ ઘટનાના એક વિડિયોમાં એક પુરુષ મુસાફરને એમ્બ્યુલન્સમાં લઈ જતાં જોવા મળ્યો હતો. તેના ચહેરા અને માથા પર પટ્ટી બાંધવામાં આવી હતી અને તેની એક આંખ સંપૂર્ણપણે ઢંકાઈ ગઈ હતી, જે ઈજાની ગંભીરતા દર્શાવતી હતી. તે ઉપરાંત, એર ઈન્ડિયાની એક મહિલા ક્રૂ સભ્યને વ્હીલચેરમાં લઈ જવામાં આવતી જોવા મળી હતી. તેના ગળામાં સપોર્ટ કોલર લગાવવામાં આવ્યો હતો. આ દૃશ્યો ટર્બ્યુલન્સ દરમિયાન થયેલી ઈજાઓની ગંભીરતા તરફ ઈશારો કરે છે.