અખિલેશ યાદવે CM યોગીને કહ્યા ‘ઘૂસણખોર’

લખનૌઃ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથને સીધા જ “ઘૂસણખોર” (infiltrator) ગણાવ્યા હતા. સમાજવાદી નેતા રામ મનોહર લોહિયાની પુણ્યતિથિ પર બોલતાં અખિલેશે દાવો કર્યો હતો કે યોગી આદિત્યનાથ મૂળરૂપે ઉત્તરાખંડના રહેવાસી છે, તેથી તેમને પાછા ત્યાં મોકલી દેવા જોઈએ.

યોગીની રાજકીય પૃષ્ઠભૂમિ પર સવાલ

અખિલેશે CM પર નિશાન સાધતાં કહ્યું હતું કે જે લોકો પલાયનની આંકડાઓ આપી રહ્યા છે. અમારા ઉત્તર પ્રદેશમાં પણ ઘૂસણખોરો છે. CM ઉત્તરાખંડના છે. અમે ઈચ્છીએ છીએ કે તેમને ઉત્તરાખંડ મોકલી દેવા જોઈએ. તેઓ અહીં અટક્યા નહોતા — તેમણે યોગી આદિત્યનાથને માત્ર ભૂગોળીય નહીં, પરંતુ વૈચારિક રીતે પણ ઘૂસણખોર ગણાવ્યા. SPપ્રમુખે યોગીની રાજકીય પૃષ્ઠભૂમિ પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે યોગી ભાજપના સભ્ય નહોતા, તેઓ અન્ય પક્ષના સભ્ય હતા. તો આ ઘૂસણખોરોને ક્યારે દૂર કરાશે?

BSPના આંકડાઓ પર વિશ્વાસ નથી

અખિલેશ યાદવની આ તીખી ટિપ્પણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એ નિવેદન પછી આવી છે, જેમાં શાહે વિપક્ષી પક્ષો પર ઘૂસણખોરોને મતબેંક તરીકે વાપરવાનો આરોપ લગાવ્યો હતો. અખિલેશે ભાજપ પર પોતાના નેરેટિવ મુજબ આંકડાઓમાં હેરફેર કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપના આંકડા ખોટા છે. જો કોઈને તેમના આંકડાઓ પર વિશ્વાસ કરવો હોય, તો તેઓ પોતે જ ભટકી જશે.

લોહિયાના વિચારોનું આહ્વાન

આ કાર્યક્રમમાં અખિલેશે લોહિયાના વિચારોનું સ્મરણ કરતાં જાતિ પ્રથા સમાપ્ત કરવાની અને સમાજના દરેક વર્ગ માટે આર્થિક અને સામાજિક ગૌરવ સુનિશ્ચિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

મહિલાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા પર પ્રહાર

SPપ્રમુખે લખનૌમાં એક વિદ્યાર્થીની સાથે થયેલા કથિત સામૂહિક દુષ્કર્મના કેસનો ઉલ્લેખ કરતાં રાજ્યમાં મહિલાઓ સામે વધી રહેલા ગુનાઓ અંગે યોગી સરકાર પર આક્રમક પ્રહાર કર્યો. તેમણે આરોપ મૂક્યો કે રાજ્યમાં દુષ્કર્મ અને મહિલાઓ પરના અત્યાચાર વધ્યા છે, કારણ કે પોલીસનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે થઈ રહ્યો છે.