લખનૌઃ અખિલેશ યાદવ તરફથી સોશિયલ મિડિયા પર રાષ્ટ્રીય લોકદળ (RLD)ની બેઠકો નક્કી કરી દેવામાં આવી છે. આ અંગે મિડિયાના લોકોએ સવાલ પૂછ્યો ત્યારે જયંત ચૌધરીએ અખિલેશ યાદવ પર જ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ઘણી બધી વાતો છે, પરંતુ હું અહીં ખુલ્લેઆમ કહેવા માગતો નથી. જ્યારે અમે તેમની સાથે હતા, ત્યારેની તમામ વાતો જો હું જાહેર કરી દઉં તો તેમને અહીં ઊભા રહેવાની જગ્યા પણ નહીં મળે. તેઓ જે હળવાશથી વાતો કરે છે, તે યોગ્ય નથી.

તેમણે કહ્યું હતું કે ચૌધરી ચરણ સિંહનું સન્માન બેઠકોને આધારે નક્કી નહીં થાય, પરંતુ તેઓ લોકોના દિલમાં વસેલા છે. જો RLDને એક પણ બેઠક ન મળે, તો પણ ચૌધરી ચરણ સિંહનું સન્માન ઓછું નહીં થાય. RLD નેતા જયંત ચૌધરીએ ઉત્તર પ્રદેશમાં બેઠકોની વહેંચણી અંગે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં 403 બેઠકો છે. ઉત્તરાખંડમાં પણ ચૂંટણી યોજાવાની છે અને ત્યાં પણ અમે ચૂંટણી લડીશું. પરંતુ 403 બેઠકો પર NDAના જેટલા પણ ઘટક પક્ષો છે, તેમની એક જ લડાઈ હશે. અમારો એક જ પ્રયાસ છે કે વિકાસનો માર્ગ અટકવો ન જોઈએ. તેમાં પ્રતીક કોનું હશે, તે મહત્વનું નથી.

જયંત ચૌધરીનું નિશાન
જયંત ચૌધરીએ કહ્યું હતું કે રાજકારણમાં મુદ્દાઓ હોવા જોઈએ. તે ચવન્ની કે રૂપિયાના મુદ્દા ન હોવા જોઈએ. વિકાસનો મુદ્દો હોવો જોઈએ. આજે સહારનપુરથી દિલ્હી જવામાં ઘણો ઓછો સમય લાગે છે, જ્યારે અગાઉ છ કલાક લાગતા હતા. અખિલેશ યાદવ અંગે તેમણે કહ્યું હતું કે તેઓ માત્ર ટ્વિટર પર રાજકારણ કરે છે. તેઓ ક્યારેય રસ્તા પર ઊતર્યા નથી અને કોઈ આંદોલન પણ કર્યું નથી, પરંતુ તેમને વિપક્ષનું રાજકારણ કરવું છે.




