અક્ષરા હાસન અને સત્યજીત દુબેની સાયન્સ ફિક્શન ‘સિમ્યુલાક્રા’નું ટીઝર રિલીઝ

મુંબઈ: ભારતીય ડિજિટલ મનોરંજન જગતમાં સાયન્સ ફિક્શનને નવી દિશા આપતી ફિલ્મ ‘સિમ્યુલાક્રા’ (Simulacra) હવે દર્શકો સમક્ષ આવવા તૈયાર છે. ફિલોસિયા ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ 17 જુલાઈથી Waves OTT પર સ્ટ્રીમ થશે. ફિલ્મમાં અભિનેતા સત્યજીત દુબે અને અક્ષરા હાસન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

અભિનેતા કમલ હાસનની દીકરી અને અભિનેત્રી શ્રૃતિ હાસનની બહેન અક્ષરા હાસનની ફિલ્મ આવી રહી છે. જેનું નામ છે ‘સિમ્યુલાક્રા’ (Simulacra). ફિલ્મનું ટિઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં અભિનેતા સત્યજીત દુબે અને અક્ષરા હાસન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની વાર્તા નજીકના ભવિષ્ય પર આધારિત છે, જ્યાં માનવજીવનને નિયંત્રિત કરતા ન્યુરલ બ્રેન ચિપ્સ સામાન્ય બની ગયા છે. આ ટેક્નોલોજીની મદદથી લોકો પોતાની યાદોને બદલી શકે છે, ફરીથી લખી શકે છે અથવા સંપૂર્ણપણે ભૂંસી પણ શકે છે.

વાર્તામાં નયન (સત્યજીત દુબે) અને નિવી (અક્ષરા હાસન) નામના બે પાત્રોની મુલાકાત થાય છે. નયન દાવો કરે છે કે બંને વચ્ચે ભૂતકાળમાં ગાઢ સંબંધ હતો અને તેના ન્યુરલ મેમરી વોલ્ટમાં તેની સાબિતીરૂપે તસવીરો પણ છે. પરંતુ નિવીના મેમરી વોલ્ટમાં નયન સાથે જોડાયેલી કોઈ યાદ જ નથી. નયન તેમની જૂની યાદોને ફરી જીવંત કરવાનો પ્રયાસ કરે છે અને આ દરમિયાન બંને વચ્ચે ફરી લાગણીઓ જન્મે છે. જોકે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ એક સાચી પ્રેમકથા છે કે પછી અત્યાર સુધીનું સૌથી મોટું ટેક્નોલોજીકલ સિમ્યુલેશન?

ફિલ્મના લેખક અને દિગ્દર્શક પંકજ સાવંત જણાવે છે કે આજના સમયમાં સાચું અને કૃત્રિમ વચ્ચેનો ભેદ કરવો દિવસેને દિવસે મુશ્કેલ બનતો જાય છે. જ્યારે પોતાની યાદો અને ફોટોઝ-વિડિયો જેવા પુરાવા પર પણ વિશ્વાસ ન રહી શકે, ત્યારે સત્યની ઓળખ કેવી રીતે કરવી તે જ ફિલ્મનો મુખ્ય વિષય છે. તેમના અનુસાર ફિલ્મ માત્ર ટેક્નોલોજી વિશે નથી, પરંતુ પ્રેમ, સંબંધો અને માનવીય લાગણીઓ વિશે પણ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

અક્ષરા હાસને જણાવ્યું કે ‘નિવી’નું પાત્ર તેમની અત્યાર સુધીની કારકિર્દીના સૌથી પડકારજનક પાત્રોમાંનું એક છે. આ પાત્ર ભજવવા માટે તેમને અભિનેત્રી તરીકે પોતાની લાગણીઓના અનેક નવા પાસાં શોધવાની તક મળી.

સત્યજીત દુબેએ કહ્યું કે ફિલ્મમાં દર્શાવવામાં આવેલા વાસ્તવિકતા, ઓળખ, સંબંધો અને AIના યુગમાં ટેક્નોલોજી કેવી રીતે સત્ય અને ભ્રમ વચ્ચેની રેખાને ધૂંધળી બનાવી રહી છે, તે વિચાર તેમને ખૂબ આકર્ષક લાગ્યો. આ જ કારણથી તેઓ આ ફિલ્મનો ભાગ બન્યા.

સાયન્સ ફિક્શન અને માનવીય સંવેદનાઓનું અનોખું સંયોજન રજૂ કરતી ‘સિમ્યુલાક્રા’ આધુનિક દર્શકો માટે એક અલગ પ્રકારનો સિનેમેટિક અનુભવ બની શકે છે. ફિલ્મ 17 જુલાઈથી માત્ર Waves OTT પર સ્ટ્રીમ થશે.