નવી દિલ્હીઃ દિલ્હીના લાલ કિલ્લા પાસે નવેમ્બર, 2025માં થયેલા આતંકવાદી હુમલાને લઈને મોટો આંતરરાષ્ટ્રીય ખુલાસો થયો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની મોનિટરિંગ ટીમના 10 ઓગસ્ટના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નવેમ્બર, 2025માં દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલો આતંકવાદી હુમલો ‘અલ-કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ’ (AQIS) સાથે જોડાયેલો હતો. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે AQIS છેલ્લા કેટલાક સમયગાળામાં એક વિખરાયેલા આતંકવાદી સંગઠનમાંથી વિકસીને પ્રાદેશિક આતંકવાદી સંગઠન તરીકે ઊભરી આવ્યું છે. સંગઠને મોટાં આતંકવાદી જૂથોની જગ્યાએ નાના-નાના આતંકવાદી સેલ અને જૂથો મારફતે પોતાની કામગીરી આગળ વધારવાની વ્યૂહરચના અપનાવી છે.
UNSCના રિપોર્ટ અનુસાર AQISએ પોતાના ઓપરેશન માટે લોજિસ્ટિક અને નાણાકીય નેટવર્ક પણ તૈયાર કર્યા છે. રિપોર્ટમાં ખાસ કરીને બાંગ્લાદેશને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે AQIS બાંગ્લાદેશનો ઉપયોગ ત્યાં નવા આતંકવાદી સેલ સ્થાપિત કરવા માટે કરી શકે છે. આ ખુલાસો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે ભારત સતત બાંગ્લાદેશમાં વધી રહેલા કટ્ટરપંથ અને આતંકવાદી નેટવર્ક અંગે ચિંતા વ્યક્ત કરતું રહ્યું છે. આ સમગ્ર મામલે ભારતની તપાસ એજન્સી NIAની ચાર્જશીટમાં પણ AQIS અને તેના સહયોગી સંગઠન અંસાર ગઝવત-ઉલ-હિંદ (AGuH) વચ્ચેનું કનેક્શન સામે આવ્યું હતું. NIAએ મે, 2026માં પટિયાલા હાઉસ કોર્ટની વિશેષ અદાલતમાં આ કેસમાં આશરે 7500 પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં મુખ્ય આરોપી ડો. ઉમર ઉન નબી સહિત 10 આરોપીઓના AGuH સાથે સંબંધ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. NIA અનુસાર, AGuH એ AQISનું એક ઓફશૂટ સંગઠન છે.
ગયા વર્ષે થયો હતો હુમલો
નવેમ્બર, 2025માં લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં 11 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આ કેસની શરૂઆતમાં દિલ્હી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં NIAએ તપાસ પોતાના હાથમાં લીધી હતી.




