બધા ધારાસભ્યો, સાંસદો કમિશન લે છેઃ જીતનરામ માંઝીનો દાવો

ગયા: દેશમાં બધા સાંસદો અને ધારાસભ્યો કમિશન લે છે, એવો કેન્દ્રીય મંત્રી અને હિંદુસ્તાની આવામ મોરચા (સેક્યુલર)ના નેતા જીતનરામ માંઝીએ દાવો કર્યો છે. તેમણે પોતાની પાર્ટીના ધારાસભ્યોને પણ આવું કરવાની સલાહ આપી છે. ગયાજીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે તેમણે ઘણી વાર પોતાના કમિશનના પૈસા પાર્ટીને આપ્યા છે અને સૂચન કર્યું છે કે આ ફંડનો ઉપયોગ કાર ખરીદવા માટે પણ કરી શકાય.

ધારાસભ્યોને કમિશન લેવાની સલાહ

માંઝીએ પોતાની પાર્ટીના ધારાસભ્યોને કહ્યું હતું કે જો તમે 10 ટકા કમિશન ન લઈ શકો તો ઓછામાં ઓછું પાંચ ટકા તો લો. દરેક સાંસદ અને ધારાસભ્ય કમિશન લે છે. એક રૂપિયામાંથી 10 પૈસા પણ મોટી રકમ બને છે. તેમણે જણાવ્યું હતું કે વિકાસ કાર્ય માટે પાંચ કરોડ રૂપિયા મળે છે અને જો તેમાં 10 ટકા કમિશન મળે તો તે 40 લાખ રૂપિયા થાય છે.

પાર્ટીનો વિસ્તાર કરવા માગે છે માંઝી

માંઝીએ આવનારી વિધાનસભા ચૂંટણી માટે પોતાની પાર્ટીની યોજના પણ રજૂ કરી અને ભારપૂર્વક કહ્યું છે કે HAM(S)ને 100 બેઠકો પર ચૂંટણી લડવી જોઈએ. તેમણે કહ્યું હતું કે જો તેમની માગ પૂર્ણ નહીં થાય તો પાર્ટી સ્વતંત્ર રીતે પણ ચૂંટણી લડી શકે છે. તેમણે આગળ કહ્યું હતું કે મારી જાતિના લોકો અમારો સાથ આપશે, જોકે અમને અન્ય જાતિઓના સમર્થનની પણ જરૂર પડશે.

NDA પાસે રાજ્યસભાની બેઠકની માગ

તેમણે રવિવારે આરોપ લગાવ્યો છે કે NDAની અંદર તેમના સાથે અન્યાય થઈ રહ્યો છે અને સંકેત આપ્યો કે જો તેમની પાર્ટી, હિંદુસ્તાની આવામ મોરચા (હમ),ને રાજ્યસભાની બેઠક નહીં મળે તો તેઓ પોતાના વિકલ્પો પર પુનર્વિચાર કરી શકે છે. માંઝીએ ગઠબંધનમાં પોતાના સાથે થયેલા કથિત વિશ્વાસઘાત વિશે પણ વાત કરી.