જસ્ટિસ યશવંત વર્મા સામેના ત્રણેય આરોપો સાબિત

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા સામેની તપાસ સમિતિનો રિપોર્ટ બુધવારે સંસદનાં બંને ગૃહોમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્રણ સભ્યોની તપાસ સમિતિએ પોતાનો રિપોર્ટ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને સોંપ્યાના કેટલાક મહિનાઓ બાદ તેને સંસદના પટલ પર મૂકવામાં આવ્યો. લોકસભા અને રાજ્યસભામાં સંબંધિત મહાસચિવોએ રિપોર્ટ રજૂ કર્યો હતો. બે ભાગમાં તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટમાં તપાસ દરમિયાન એકત્ર કરવામાં આવેલા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જસ્ટિસ વર્મા સામે માર્ચ, 2025માં તેમના સત્તાવાર નિવાસસ્થાન 30, તુગલક ક્રેસન્ટ, નવી દિલ્હીમાં આગ લાગ્યા બાદ મોટી માત્રામાં બળેલી રોકડ મળી હોવાના આરોપો લાગ્યા હતા. આગ ઓલવતી વખતે ફાયર બ્રિગેડના કર્મચારીઓને જસ્ટિસ વર્માના ઘરના સ્ટોરરૂમમાંથી મોટી માત્રામાં બળી ગયેલી રૂ. 500ની નોટો મળી આવી હતી.

રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું?

તપાસ સમિતિએ જસ્ટિસ યશવંત વર્મા સામે લગાવવામાં આવેલા ત્રણેય આરોપો (Articles of Charge I, II અને III) સાબિત હોવાનું માન્યું છે. 

પહેલો આરોપ: સમિતિએ જણાવ્યું કે સત્તાવાર નિવાસસ્થાનના સ્ટોર રૂમમાં મળેલી મોટી માત્રામાં રોકડની હાજરી, તેના સ્ત્રોત અને માલિકી અંગે જસ્ટિસ વર્મા સંતોષકારક જવાબ આપી શક્યા નથી. તેથી આ આરોપ સાબિત થયો હોવાનું માનવામાં આવ્યું છે.

બીજો આરોપ: સમિતિને જાણવા મળ્યું હતું કે કેસ સાથે જોડાયેલા ભૌતિક પુરાવાઓનું યોગ્ય રીતે સંરક્ષણ કરવામાં આવ્યું નહોતું. કાયદેસર સીલિંગ અને તપાસ પહેલાં સ્ટોર રૂમની સ્થિતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને કેટલીક ચલણી નોટો ગુમ થવા અંગે પણ સ્પષ્ટ જવાબ મળ્યો નહોતો.

ત્રીજો આરોપ: સમિતિએ 22 માર્ચ, 2025 સહિત જસ્ટિસ વર્મા દ્વારા આપવામાં આવેલા ખુલાસાઓને અસંતોષકારક અને અણદેખ્યા ગણાવ્યા. સ્વતંત્ર સાક્ષીઓ અને ઉપલબ્ધ પુરાવાઓને આધારે આ આરોપ પણ સાબિત થયો હોવાનું માનવામાં આવ્યું છે.

હવે આગળ શું થશે?

તપાસ સમિતિએ પોતાનો અંતિમ રિપોર્ટ, કાર્યવાહીનો રેકોર્ડ અને તમામ સંબંધિત દસ્તાવેજો સક્ષમ સત્તાધિકારીને સોંપી દીધા છે. હવે આ રિપોર્ટને આધારે કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.