મોબાઈલ પર રીલ્સ બનાવવાના વિવાદમાં ૧૪ વર્ષની પુત્રીની હત્યા

જમશેદપુર: મોબાઈલ ફોન પર સમય વિતાવવા અને રીલ્સ બનાવવા મામલના કરૂણ અંજામ. વિવાદ બાદ ૧૪ વર્ષની સગીર પુત્રીની કથિત રીતે માર મારીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. આ ગુનામાં ઝારખંડના પૂર્વ સિંહભૂમ જિલ્લામાંથી માતા-પિતાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિન્દ્ર મુર્મુ અને તેમની પત્ની સુમનીની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી.

ખાણમાંથી મળ્યો હતો મૃતદેહ

પોલીસ તપાસ મુજબ, ધોરણ ૮માં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય કનકલતા મુર્મુને ૧૦ નવેમ્બરના રોજ લાકડી વડે બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ માતા-પિતાએ તેનો મૃતદેહ વિસ્તારની એક બંધ પડેલી ખાણમાં ફેંકી દીધો હતો.

આ દંપતીએ તેમની પુત્રી ગુમ થઈ હોવાનો ઢોંગ કરીને ગામલોકો અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. ૧૩ નવેમ્બરના રોજ ખાણમાંથી પુત્રીનો મૃતદેહ મળી આવ્યા બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને જવાબદારોની ધરપકડ તેમજ પરિવારને યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી. બીજા દિવસે પણ ગ્રામજનોએ પોતાની માંગણીઓના સમર્થનમાં રસ્તો બંધ રાખ્યો હતો.

પૂછપરછમાં કબૂલાત

મૃતદેહ મળ્યા બાદ માતા-પિતાના વર્તન પર શંકા તો ગઈ હતી, પરંતુ શરૂઆતમાં નક્કર પુરાવાના અભાવે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી શકી ન હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરીને ટેકનિકલ મદદ અને ગુપ્ત બાતમીના આધારે મહત્વપૂર્ણ કડીઓ મેળવી હતી.“

ત્યારબાદ બંનેને અટકાયતમાં લઈ પૂછપરછ કરવામાં આવતા તેમણે ગુનાની કબૂલાત કરી લીધી હતી. કમલપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ધનંજય પાસવાને ગુરુવારે બંનેની ધરપકડની પુષ્ટિ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, કિશોરીના મોબાઈલ ઉપયોગ અને રીલ્સ બનાવવા સામે વાંધો ઉઠાવ્યા બાદ થયેલી બોલાચાલીમાં લાકડી વડે હુમલો કરાતા તેનું મોત થયું હતું. આ હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.