યુપીમાં ગઠબંધનઃ કોંગ્રેસને 130માંથી 26 બેઠકો પર સપાની સંમતિ

લખનૌ: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં સમાજવાદી પાર્ટી (સપા) અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન તથા બેઠકોની વહેંચણીને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. સોમવાર બાદ આજે મંગળવારે પણ બંને પક્ષો વચ્ચે બીજા તબક્કાની બેઠક યોજવામાં આવી  હતી. આ દરમિયાન એવા સમાચાર છે કે પ્રથમ તબક્કાની ચર્ચામાં સપાએ કોંગ્રેસને ઉત્તર પ્રદેશની 26 વિધાનસભા બેઠકો ઓફર કરી છે. જ્યારે અન્ય બેઠકો માટે સપાએ કોંગ્રેસ પાસે ચૂંટણીનાં સમીકરણો અને ઉમેદવારોનાં નામ માગ્યાં છે. સોમવારે કોંગ્રેસે સપાને 130 બેઠકોની યાદી સોંપી હતી.

સૂત્રોના જણાવ્યાનુસાર  આજે યોજવામાં આવેલી  બીજા તબક્કાની બેઠક વધુ વિસ્તૃત હશે. તેમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં બંને પક્ષોની રાજકીય તાકાત, નબળાઈઓ અને ચૂંટણીની સંભાવનાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. બંને પક્ષો અમેઠી અને રાયબરેલી જેવા કોંગ્રેસના પ્રભાવવાળા વિસ્તારો તેમ જ મૈનપુરી અને ઇટાવા જેવા સપાના ગઢમાં એકબીજાનાં હિતોનું ધ્યાન રાખવાની વ્યૂહરચના પર પણ વિચાર કરી રહ્યા છે.

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજેન્દ્ર પાલ ગૌતમે જણાવ્યું હતું કે સપા સાથે બેઠકોની સંખ્યા અંગે ચર્ચા કરવામાં આવી છે. તેમણે અમારી વાત સાંભળી છે અને પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે ચર્ચા કર્યા બાદ જવાબ આપવાનું કહ્યું છે. કોંગ્રેસના નેતાઓએ જે વિધાનસભા બેઠકો પરથી પોતાના ઉમેદવારો ઉતારવા માગે છે, તેની યાદી સપાના પ્રતિનિધિમંડળને સોંપી છે. જોકે બંને પક્ષોએ બેઠકોની સંખ્યા અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. સપાના મુખ્ય મહાસચિવ રામ ગોપાલ યાદવે જણાવ્યું છે કે બંને પક્ષો વચ્ચે વાતચીત અત્યંત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થઈ રહી છે અને બંને પક્ષોએ એકબીજાના વિચારો સાંભળ્યા છે. તેમણે કહ્યું હતું કે અમને આશા છે કે આગામી બે-ત્રણ દિવસમાં ગઠબંધનને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવશે.

સપાએ બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરવા માટે રામ ગોપાલ યાદવના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી છે. આ સમિતિમાં પ્રદેશ અધ્યક્ષ શ્યામલાલ પાલ તેમ જ લોકસભા સાંસદ રાજીવ રાય અને ઇકરા ચૌધરીનો પણ સમાવેશ થાય છે. બંને પક્ષો વચ્ચે આ વખતે ગઠબંધનને લઈને આશાઓ વધી છે, કારણ કે 2024ની લોકસભા ચૂંટણીમાં તેઓ ભાજપને મજબૂત પડકાર આપવામાં સફળ રહ્યા હતા.