રેલવે નેટવર્કનું સંપૂર્ણ વિદ્યુતીકરણ થઈ ગયું : દિવાળી મિલન સમારોહમાં PM મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ મુખ્યાલય ખાતે યોજાયેલા વાર્ષિક ‘દિવાળી મિલન’ સમારોહમાં દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને વેગવંતી શાસનશૈલી પર મોટું નિવેદન આપ્યું હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારતીય રેલવે નેટવર્કનું લગભગ સંપૂર્ણ વિદ્યુતીકરણ (Electrification) થઈ ગયું છે, જે વર્તમાન સરકારની ઝડપી કાર્યપદ્ધતિનું ઉત્તમ ઉદાહરણ છે.આ પ્રસંગે ભૂતકાળની ગતિની સરખામણી કરતા વડાપ્રધાને જણાવ્યું કે ભારતમાં રેલવેનું વિદ્યુતીકરણ 1930ના દાયકા એટલે કે લગભગ 100 વર્ષ પહેલાં શરૂ થયું હતું, પરંતુ 2014 સુધીના 90 વર્ષોમાં માત્ર 30 ટકા જ કામ પૂરું થઈ શક્યું હતું. જો તે જ જૂની ગતિ ચાલુ રહી હોત તો આ કામ પૂરું થવામાં હજુ અનેક દાયકાઓ લાગી હોત. પરંતુ આજે વર્તમાન સરકારના પ્રયાસોથી સમગ્ર રેલવે નેટવર્ક લગભગ વીજળીકૃત થઈ ચૂક્યું છે.

વડાપ્રધાને ગરીબી નિવારણનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે અગાઉની સરકારો માત્ર ચૂંટણી ટાણે જ ગરીબી હટાવવાના નારા લગાવતી હતી, પરંતુ આજે દેશના ગરીબો પોતાની મહેનતથી જાતે જ ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે. આ સાથે તેમણે દેશના યુવાનોને ડ્રગ્સ (પદાર્થોના દુરુપયોગ) જેવી કુસંગતિઓથી દૂર રહેવા અને ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ (The India Story)ના માધ્યમથી દેશની સકારાત્મક ઉપલબ્ધિઓને વૈશ્વિક સ્તરે પહોંચાડવા આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા સહિતના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.