નેતૃત્વ એટલે આદેશ આપવો નહીં, મુશ્કેલીમાં સૌથી આગળ ઊભા રહેવું : નિવૃત્ત મેજર જનરલ ઇયાન કાર્ડોઝો

અમદાવાદ: ભારતીય સેનાના નિવૃત્ત અને અત્યંત સન્માનિત યુદ્ધવીર મેજર જનરલ ઇયાન કાર્ડોઝોના “ફૉલ, ફાઇટ, રાઇઝ” (Fall, Fight, Rise) વિષય પર એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે આયોજીત આ કાર્યક્રમમાં તેમણે યુવાનો અને ભાવિ નેતાઓને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી વિપરીત પરિસ્થિતિઓ પર વિજય મેળવવાની કળા, નેતૃત્વના ગુણો અને જીવનના પ્રેરણાદાયી અનુભવો શેર કર્યા હતા.સંબોધનમાં 98 વર્ષીય મેજર જનરલ ઇયાન કાર્ડોઝોએ જણાવ્યું હતું કે, “મારી ઉંમર 98 વર્ષની થઈ ગઈ છે, છતાં શીખવાની પ્રક્રિયા આજે પણ ચાલુ છે. એક સારો સૈનિક હંમેશાં બીજાના અનુભવોમાંથી શીખે છે, જ્યારે એક ખરાબ સૈનિક પોતાની ભૂલોમાંથી પણ શીખી શકતો નથી.” લીડરશિપ પર ભાર મૂકતાં તેમણે ઉમેર્યું કે સેનામાં એક અધિકારી માત્ર આદેશો આપતો નથી, પરંતુ પોતે આગળ રહીને નેતૃત્વ પૂરું પાડે છે. સાચું નેતૃત્વ શારીરિક અને નૈતિક હિંમત, બલિદાન, ક્ષમતા તથા સમર્પણ માંગે છે.તેમણે યુવાનોને પ્રેરણા આપતાં કહ્યું કે વ્યક્તિ શું કરી શકે છે તેની મર્યાદા ઘણીવાર તેની પોતાની વિચારસરણી જ નક્કી કરતી હોય છે. જો મનમાં દ્રઢ વિશ્વાસ અને વિઝન હોય તો ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ રસ્તો કાઢી શકાય છે.

મેજર જનરલ ઇયાન કાર્ડોઝો 5મી ગોરખા રાઇફલ્સના પૂર્વ અધિકારી છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમણે અસાધારણ બહાદુરી દર્શાવી હતી. યુદ્ધમાં પગ ગુમાવવા છતાં પોતાની અટલ હિંમતના બળે તેઓ ભારતીય સેનામાં બટાલિયન અને બ્રિગેડનું નેતૃત્વ કરનારા પ્રથમ દિવ્યાંગ અધિકારી બન્યા હતા. તેમનું આખું જીવન દેશભક્તિ, ખુમારી અને નેતૃત્વનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.