AMAએ ફિલ્મ ‘લાલો’ના કલાકારો સાથે એડવાન્સ્ડ ડિપ્લોમા કોર્સ લોન્ચ કર્યો

ગુજરાત: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) દ્રારા ‘રૂપા અને આનંદ પંડિત – AMA સેન્ટર ફોર ફિલ્મ પ્રોડક્શન મેનેજમેન્ટ’ હેઠળ ગુજરાતી ફિલ્મ ‘લાલો — કૃષ્ણ સદા સહાયતે’ના કલાકારો અને સર્જકો દ્રારા AMAનો ‘એડવાન્સ્ડ ડિપ્લોમા ઇન ફિલ્મ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ’ કોર્સ લોન્ચ કરવામાં આવ્યો હતો અને “ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના બદલાતા પ્રવાહો: ફિલ્મ ‘લાલો — કૃષ્ણ સદા સહાયતે’ની સફળતાની ગાથા” વિષય પર AMA ખાતે એક વિશેષ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પેનલ ડિસ્કશનમાં ફિલ્મના મુખ્ય કલાકારો અને સર્જકો અંકિત સાખિયા (દિગ્દર્શક), અજય પડરિયા (નિર્માતા), શ્રુહદ ગોસ્વામી (અભિનેતા – પાત્ર: કૃષ્ણ), કરણ જોશી (અભિનેતા – પાત્ર: લાલજી) અને રીવા રાછ (અભિનેત્રી – પાત્ર: તુલસી) જોડાયા હતાં. આ ઉપરાંત, આર વર્લ્ડ મલ્ટિપ્લેક્સના ચેરમેન અને ૧૯૯૪માં રાજશ્રી સિનેમા લોન્ચ કરનાર અજયસિંહ ચુડાસમાએ ફિલ્મ ઉદ્યોગના વ્યાપક પરિપ્રેક્ષ્ય વિશે જણાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન AMAના પૂર્વ પ્રમુખ ડો. સાવન ગોડિયાવાલા દ્રારા કરવામાં આવ્યું હતું.

AMA દ્રારા કારકિર્દી ઘડતર અને સ્કીલ ડેવલપમેન્ટ માટે ફિલ્મ નિષ્ણાતો દ્રારા સમકાલીન પ્રેક્ટીસ આધારિત તૈયાર કરાયેલ ‘એડવાન્સ્ડ ડિપ્લોમા ઇન ફિલ્મ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ કોર્સ’ સર્જનાત્મક દ્રષ્ટિકોણ અને સિનેમાના વ્યવસાય વચ્ચેના અંતરને ઘટાડવા માટે તૈયાર કરવામાં આવેલ છે અને આ કોર્સ પ્રોડક્શન વર્કફ્લો અને મેનેજમેન્ટમાં વ્યવહારુ તાલીમ આપે છે. છ મહિનાનો આ કોર્સ ૧૭ જાન્યુઆરી, ૨૦૨૬થી શરૂ થશે. વર્ગો AMA કેમ્પસમાં અઠવાડિયામાં બે વાર, શુક્રવાર અને શનિવારે સાંજે ૬:૩૦થી ૮:૩૦ દરમિયાન લેવામાં આવશે. અભ્યાસક્રમમાં વર્તમાન બજારના પ્રવાહો સાથે ઉદ્યોગના નિષ્ણાતોના અનુભવને સાંકળીને પ્રાયોગિક અભિગમ પર ભાર મૂકવામાં આવ્યો છે.