“દુનિયાની ચિંતા છોડો, કંઈક નવું બનાવો”: રાજકોટમાં અમન ગુપ્તાનો ગુરુમંત્ર

મારવાડી યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આયોજિત ઓરિએન્ટેશન કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. દેશના જાણીતા ઉદ્યોગસાહસિક, શાર્ક ટેન્ક ઇન્ડિયાના લોકપ્રિય રોકાણકાર અને ‘boAt’ તેમજ ‘OFF/BEAT’ના સ્થાપક અમન ગુપ્તાએ યુનિવર્સિટીના 650થી વધુ સ્ટુડન્ટ્સ સાથે એક પ્રેરણાદાયી અને નિખાલસ સંવાદ કર્યો હતો. આ ખાસ સત્રમાં યુવાનોને ભારતના આજના સફળ બ્રાન્ડ નિર્માણ અને ઉદ્યોગસાહસિકતાના વાસ્તવિક પડકારોને ખૂબ નજીકથી સમજવાની સુવર્ણ તક મળી હતી.

મને મોટો પાઠ બિઝનેસ સ્કૂલે નહીં, અસફળ સ્ટાર્ટઅપ્સે આપ્યો

તદ્દન ખુલ્લા મને અને આજના યુવાનોની ભાષામાં વાત કરતા અમન ગુપ્તાએ પોતાના જીવનના સંઘર્ષો, નિષ્ફળતાઓ અને કારકિર્દીના વળાંકો વિશે ખુલ્લેઆમ ચર્ચા કરી. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, દુનિયા શું વિચારે છે કે લોકો શું કહે છે તેના પર ધ્યાન આપ્યા વિના, તમને જે યોગ્ય લાગે તે જ કરો. તમે દેશની સૌથી પ્રતિભાશાળી પેઢી છો અને દેશનું ભવિષ્ય તમારા હાથમાં છે. તેમણે ઉમેર્યું કે, જો તમે તમારી પોતાની કિંમત નહીં સમજો તો દુનિયા તમારી કિંમત નક્કી કરશે. હું આંકડાઓ કરતા મારા અંતરાત્માના અવાજ પર વધુ ભરોસો રાખું છું. પોતાના ચિરપરિચિત અંદાજમાં હસતા હસતા તેમણે કહ્યું કે, કેટલાક લોકો ઉંમર સાથે માત્ર મોટા થાય છે, જ્યારે હું ઉંમર વધવાની સાથે વધુ નિર્ભય બનતો જાઉં છું.

boAtના આઈપીઓ (IPO) અંગે મોટો ખુલાસો

જ્યારે સંવાદ દરમિયાન કંપનીના શેરબજારમાં લિસ્ટિંગ અંગે પ્રશ્ન પૂછાયો, ત્યારે અમન ગુપ્તાએ સ્પષ્ટતા કરી કે, જ્યારે કોઈ કંપની લિસ્ટ થાય છે ત્યારે તે પબ્લિક અને શેરહોલ્ડર્સ પ્રત્યે જવાબદાર બની જાય છે. મને વ્યક્તિગત રીતે એવું લાગતું નહોતું કે હું હાલના સમયે આવી પબ્લિક લિમિટેડ કંપનીનું સંચાલન કરવા તૈયાર હતો, પણ કદાચ ભવિષ્યમાં આ બાબતે વિચારી શકાય.

સ્ટાર્ટઅપ આઈડિયા માટે ₹2.5 લાખ સુધીની આર્થિક સહાય

આ રસપ્રદ સંવાદ સત્રનું સંચાલન કરનાર મારવાડી યુનિવર્સિટીના ટ્રસ્ટી ધ્રુવ મારવાડીએ યુનિવર્સિટીના વિઝન અંગે વાત કરી હતી. તેમણે જાહેરાત કરી કે યુનિવર્સિટીના ‘સેન્ટર ફોર ઇનોવેશન, ઇન્ક્યુબેશન એન્ડ રિસર્ચ’ દ્વારા દરેક વિદ્યાર્થીના ઈનોવેટિવ સ્ટાર્ટઅપ આઈડિયાને ₹2.5 લાખ સુધીની પ્રારંભિક આર્થિક સહાય આપવામાં આવે છે.

ધ્રુવ મારવાડીએ આજના સમયમાં મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશનના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, “શિક્ષણ માત્ર ક્લાસરૂમ પૂરતું સીમિત નથી. આપણી યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ, નર્સિંગ, મેનેજમેન્ટ, કમ્પ્યુટર એપ્લિકેશન અને લો (Law) જેવા વિવિધ ક્ષેત્રોના વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરે છે. જો આ અલગ-અલગ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સાથે મળીને એક ‘ફાઉન્ડર ટીમ’ બનાવે, તો તેઓ બિઝનેસ જગતમાં અદ્ભુત ક્રાંતિ લાવી શકે છે.”

સવાલ-જવાબના રાઉન્ડે જમાવ્યું આકર્ષણ

કાર્યક્રમના અંતે યોજાયેલા ઇન્ટરએક્ટિવ સેશનમાં વિદ્યાર્થીઓએ અમન ગુપ્તાને સ્ટાર્ટઅપ ફંડિંગ, બ્રાન્ડ બિલ્ડિંગ, લીડરશિપ અને ભારતના બદલાતા બિઝનેસ કલ્ચર વિશે અનેક પ્રશ્નો પૂછ્યા હતા. અમન ગુપ્તાએ પણ પોતાના વ્યવહારુ ઉદાહરણો અને અનુભવોના આધારે તમામ યુવાનોના પ્રશ્નોના ખૂબ જ સરળ અને સચોટ જવાબો આપીને તેમનું માર્ગદર્શન કર્યું હતું.