શ્રાવણ માસમાં બરફના શિવલિંગના દર્શન

અમદાવાદ : બર્ફાની બાબા અમરનાથ ધામ જમ્મુ કાશ્મીરમાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ છે. દેવોના દેવ મહાદેવને માનનારો મોટો વર્ગ એના દર્શનની ઈચ્છા રાખે. પરંતુ ભોળાનાથના બધા જ ભક્તો માટે અમરનાથ જવું શક્ય હોતું નથી. શ્રાવણ માસ શિવજીની ઉપાસનાના પર્વમાં સ્થાનિક લોકો ભેગા મળી બરફના શિવલિંગ તૈયાર કરી અમરનાથ ધામની પ્રતિકૃતિ તૈયાર કરતા હોય છે. શહેરના ત્રાગડ વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ બહુચરાજી મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે બરફનું શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું હતું.અમરનાથ બરફના શિવલિંગનું આયોજનના અગ્રણી જેન્સી પટેલ ચિત્રલેખા.કોમને કહે છે આ વર્ષે શ્રાવણ માસના રવિવારે બહુચરાજી મંદિરના સંકુલમાં બરફના અમરનાથ દર્શન કરાવવાનું આયોજન કરાયું. જેથી વધુમાં વધુ શ્રદ્ધાળુઓ લાભ લઈ શકે.

આયોજકો દ્વારા આબેહુબ બરફના અમરનાથના દર્શન કરાવવા બાર હજાર કિલો જેટલા બરફનો ઉપયોગ કરવામાં આવ્યો. સફેદ બરફની સાથે રંગીન બરફની પાટોનો પણ ઉપયોગ કર્યો. ગુફા તૈયાર કરી, બરફની જાળવણી સારી રીતે થાય એ માટે 200 કિલો મીઠાનો ઉપયોગ કર્યો. સાડા ચાર ફૂટ ઉંચા બરફના શિવલિંગને ત્રિનેત્ર, ચંદ્ર, ઓમથી શણગારવામાં આવ્યું. રંગબેરંગી શણગારની સાથે ભગવાન શિવજીનું ચાંદીનું મુખારવિંદ પણ મુકવામાં આવ્યું છે.જેન્સીબહેન કહે છે શ્રાવણના રવિવારે આયોજન કર્યુ છે જેથી રાત્રે મોડા સુધી લોકો અમરનાથ ધામ બરફ શિવલિંગના દર્શન કરી શકે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)