ગાંધીનગર: ગુજરાતના અગ્રણી શક્તિપીઠ આરાસુર અંબાજી ધામના કરોડો માઇભક્તો માટે નવરાત્રિ પહેલાં જ અત્યંત હર્ષ અને ગૌરવના સમાચાર સામે આવ્યા છે. અંબાજી માતાજીના મંદિરમાં વર્ષોથી વિતરણ કરવામાં આવતા સુપ્રસિદ્ધ ‘મોહનથાળ’ પ્રસાદને ભારત સરકારની જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન્સ રજિસ્ટ્રી (GI Registry) દ્વારા સત્તાવાર રીતે જીઆઈ ટેગ (GI Tag) એનાયત કરવામાં આવ્યો છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અરજીને માન્ય રાખીને કેન્દ્રીય GI રજિસ્ટ્રીએ આ પ્રસાદને ખાદ્ય પદાર્થોની ક્લાસ-30 શ્રેણી હેઠળ સ્થાન આપ્યું છે. આ સિદ્ધિ સાથે અંબાજીનો મોહનથાળ હવે આંધ્રપ્રદેશના તિરુપતિ લાડુ અને તમિલનાડુના પલાની પંચામૃતમ જેવા દેશના વિશિષ્ટ મંદિર પ્રસાદોની યાદીમાં સામેલ થઈ ગયો છે.
આ ઐતિહાસિક ક્ષણને બિરદાવવા માટે નવરાત્રિના પ્રથમ નોરતે (11 ઓક્ટોબર) અંબાજી મંદિર પરિસરમાં એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ તથા જ્યોગ્રાફિકલ ઈન્ડિકેશન્સના રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. ઉન્નત પી. પંડિત ઉપસ્થિત રહીને મંદિર ટ્રસ્ટને સત્તાવાર GI સર્ટિફિકેટ સુપરત કરશે.
GI ટેગ મળવાથી હવે ‘અંબાજી મોહનથાળ’ નામના અનધિકૃત ઉપયોગ, બનાવટ કે નકલ સામે કાનૂની રક્ષણ મળશે. આનાથી પ્રસાદની સ્વાદિષ્ટતા, શુદ્ધતા, ગુણવત્તા અને તેની પરંપરાગત ઓળખ જાળવવામાં મોટી મદદ મળશે.




