ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસી રહેલા ભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ થોડો વિરામ લીધો હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને પાણી-પાણી કર્યા બાદ હવે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે, આ મેઘવિરામ વચ્ચે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાના આગામી રાઉન્ડને લઈને એક મહત્વપૂર્ણ આગાહી કરી છે, જેને પગલે જગતનો તાત (ખેડૂતો) અને સામાન્ય નાગરિકો ફરી એકવાર આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.

15 જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા નહિવત
હવામાન પિરામિડના જાણકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આગામી 15 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કોઈ ભારે કે અતિભારે વરસાદની સંભાવના નથી. જોકે, મધ્ય ગુજરાત અને તેની આસપાસના કેટલાક પોકેટ્સમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહી શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં આગામી 17 જુલાઈ સુધી આવું જ મિશ્ર વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે.
જુલાઈના અંતમાં ચોમાસું પકડશે જોર: ઓગસ્ટમાં પણ ધમાકેદાર એન્ટ્રી
ખેડૂતો માટે રાહતના સમાચાર આપતા હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે, જુલાઈના અંતિમ દિવસોમાં વરસાદનો એક મોટો અને મજબૂત રાઉન્ડ સક્રિય થઈ રહ્યો છે. ખાસ કરીને 27થી 30 જુલાઈ દરમિયાન ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક અને સારો વરસાદ નોંધાશે. આ ઉપરાંત, મેઘરાજાની આ ધબધબાટી ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ ચાલુ રહેવાના સંકેતો છે, જેના કારણે રાજ્યની નદીઓ, સ્થાનિક તળાવો અને જળાશયોમાં પાણીની આવકમાં મોટો વધારો થશે. બીજી તરફ, જાણીતા હવામાન વિશ્લેષક પરેશ ગોસ્વામીએ પણ આ આગાહીને સમર્થન આપતા જણાવ્યું છે કે, હાલમાં વરસાદી સિસ્ટમ ગુજરાતની સરહદ છોડીને ઉત્તર-પૂર્વ તરફ ફંટાઈ ગઈ છે, જેના કારણે ચાલુ અઠવાડિયે ભારે વરસાદની આશા ઓછી છે. વાતાવરણમાં રહેલા ભેજને લીધે માત્ર છૂટાછવાયા ઝાપટાં જ પડશે. 15 જુલાઈ બાદ પાંચ દિવસ સુધી હળવી હલચલ જોવા મળશે, જ્યારે 25થી 31 જુલાઈ વચ્ચે રાજ્યમાં ફરી એકવાર વ્યાપક અને મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ રાઉન્ડ ખાસ કરીને એવા વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે જ્યાં અત્યાર સુધી ઓછો વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગ (IMD)નું શું છે અનુમાન?
ભારતીય હવામાન વિભાગ (IMD)ના અહેવાલ અનુસાર, 13 જુલાઈ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્પેલ જોવા મળી શકે છે, પરંતુ ત્યારબાદ વરસાદનું જોર ક્રમશઃ ઘટી જશે અને ચોમાસું થોડા દિવસો માટે શાંત પડશે.
કયા જિલ્લાઓ હજુ પણ વરસાદથી વંચિત?
ચોમાસાની આ સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ લગભગ 25 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, છતાં પણ કેટલાક પ્રદેશોમાં ચિંતાજનક સ્થિતિ છે. આશ્ચર્યજનક રીતે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હજુ સુધી સિઝનનો માત્ર એક ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, જામનગર અને મોરબી જેવા સરહદી અને પછાત વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં ખૂબ ઓછું છે, જેથી ત્યાંના ખેડૂતો ચિંતાતુર છે. જોકે, જુલાઈના અંતમાં આવી રહેલી નવી સિસ્ટમ આ સુકાભઠ્ઠ વિસ્તારો માટે મોટી રાહત લાવશે તેવું હવામાનકારોનું દ્રઢપણે માનવું છે.






