ભારતમાં અમેરિકન કૃષિ ઉત્પાદનોને ‘નો એન્ટ્રી’, જાણો…

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે શનિવારે વચગાળાના વેપાર કરારની રૂપરેખા પર સહમતી જાહેર કરવામાં આવી છે. આ કરાર મુજબ અમેરિકા ભારત પરનો ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરશે. ભારત-અમેરિકાના સંયુક્ત નિવેદન મુજબ ભારત અમેરિકાના ઔદ્યોગિક માલ, સૂકા અનાજ, પશુઆહાર માટેનું લાલ જુવારર, મેવા, તાજા અને પ્રોસેસ્ડ ફૂડ, સોયાબીન તેલ, દારૂ, સ્પિરિટ સહિત અનેક ખાદ્ય અને કૃષિ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે અથવા દૂર કરશે. જેને કારણે આ અમેરિકન ઉત્પાદનો ભારતમાં સસ્તાં થશે.

ભારત અમેરિકા પાસેથી 500 અબજ ડોલરનો માલ ખરીદશે

આ કરાર હેઠળ ભારત આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી 500 અબજ ડોલરનો માલ ખરીદવાની યોજના ધરાવે છે. તેમાં ઊર્જા ઉત્પાદનો, વિમાનો અને તેના પુર્જા, કીમતી ધાતુઓ, ટેક્નોલોજી ઉત્પાદનો અને કોકિંગ કોલસો સામેલ છે. બંને દેશો GPU (ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ) અને ડેટા સેન્ટર સંબંધિત સાધનોના વેપારમાં વધારો કરશે અને ટેક્નોલોજી ક્ષેત્રમાં સહકાર વધારશે.

ભારતનાં કયાં ઉત્પાદનોને લાભ મળશે

ટેરિફમાં ઘટાડાથી ભારતના કાપડ, વસ્ત્ર, ચામડું, ફૂટવેર, પ્લાસ્ટિક, રબર, ઓર્ગેનિક કેમિકલ્સ, ઘર સજાવટ સામાન, હસ્તકલા અને કેટલીક મશીનરીના નિકાસમાં વધારો થશે. એ ઉપરાંત અમેરિકા જતી જેનરિક દવાઓ, રત્ન-હીરા અને વિમાનના કલપુર્જા પર ઝીરો ટેરિફ લાગુ થશે. વાહન કલપુર્જાઓ માટે પણ રાષ્ટ્રીય સુરક્ષા જોગવાઈઓ હેઠળ ભારતને પ્રાથમિક દર ક્વોટા મળશે. બંને દેશો નોન-ટેરિફ અવરોધો પણ દૂર કરશે, જે 191 અબજ ડોલરથી વધુના દ્વિપક્ષી વેપારને અસર કરે છે.

MSME, ખેડૂત અને માછીમારો માટે મોટું બજાર ખૂલશે

આ કરારથી ભારતીય નિકાસકારો, ખાસ કરીને MSME, ખેડૂત અને માછીમારો માટે લગભગ 30,000 અબજ ડોલરનું મોટું બજાર ખૂલશે. નિકાસ વધવાથી મહિલાઓ અને યુવાનો માટે લાખો રોજગાર તકો ઊભી થશે. ભારત મકાઈ, ઘઉં, ચોખા, સોયા, પોલ્ટ્રી, દૂધ, ચીઝ, ઇથેનોલ, તમાકુ, શાકભાજી અને માંસ જેવાં સંવેદનશીલ કૃષિ અને ડેરી ઉત્પાદનોને સંપૂર્ણ સુરક્ષા આપશે.

મસાલાઓ અંગે ભારતનું સ્પષ્ટ વલણ

કૃષિ અને ડેરી ઉત્પાદનો ઉપરાંત, અનેક મસાલાઓ પણ પ્રતિબંધ યાદીમાં સામેલ છે. ભારત અમેરિકા પાસેથી કાળા મરી, લવિંગ, સૂકી લીલાં મરચાં, તજ, ધાણા, જીરું, હીંગ, આદું, હળદર, અજમો, મેથી, ચક્રમર્દ, કેસિયા, સરસવ, રાઈ, ભૂસી અને અન્ય પાઉડર મસાલાઓ આયાત નહીં કરે.