CJPને USમાંથી ફંડિંગ મળી રહ્યું હોવાનો અમેરિકન ગાયિકાનો દાવો

નવી દિલ્હીઃ અમેરિકન ગાયિકા મેરી મિલબેન તાજેતરમાં પોતાની એક સોશિયલ મિડિયા પોસ્ટને કારણે ચર્ચામાં આવી છે. તેમણે ભારતમાં ચાલી રહેલા CJP પ્રદર્શન અંગે નારાજગી વ્યક્ત કરી છે અને આરોપ લગાવ્યો છે કે આ પ્રદર્શન માટે પાર્ટીને અમેરિકામાંથી આર્થિક મદદ મળી રહી છે.

ગાયિકાએ પોતાની પોસ્ટમાં દાવો કર્યો હતો કે CJPને અમેરિકામાં રહેતા એવા દાતાઓ પાસેથી નાણાકીય સહાય મળી રહી છે, જેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના નેતૃત્વની વિરુદ્ધ છે. એટલું જ નહીં, મેરી મિલબેને પોતાની પોસ્ટમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ વિરુદ્ધ શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની અપીલ પણ કરી હતી.

મેરી મિલબેને શું કહ્યું હતું?

હોલિવુડ ગાયિકા મેરી મિલબેને તેમણે લખ્યું હતું કે ભારતના તમામ યુવા દેશભક્તો માટે, આ ચૂપ રહેવાનો સમય નથી. અભિજિત દીપકે અને કોકરોચ જનતા પાર્ટીને અમેરિકામાં એવા લોકો પાસેથી ફંડિંગ મળી રહ્યું છે, જેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના નેતૃત્વની વિરુદ્ધ છે. મારા યુવા દેશભક્તો, ડરશો નહીં. તમારા વડા પ્રધાને 25 વર્ષ સુધી ભારતની સેવા કરી છે, જેમાં 12 વર્ષ વડા પ્રધાન તરીકે અને સતત ત્રણ વખત ચૂંટાઈને સેવા આપી છે. તેઓ મારા દેશની અસ્થિરતા ફેલાવતી શક્તિઓ સામે ઝૂકવાના નથી.

CJP પર ભડક્યાં મેરી મિલબેન

મેરી મિલબેને પોતાની બીજી પોસ્ટમાં લખ્યું હતું કે આ પસંદગીના દાતાઓની દુનિયાભરમાં એક જ પદ્ધતિ છે. તેઓ રૂઢિચુસ્ત વિચારધારા ધરાવતા વૈશ્વિક નેતાઓને નિશાન બનાવે છે, સંબંધિત દેશના એવા લોકોને શોધે છે જેમણે અમેરિકામાં શિક્ષણ મેળવ્યું હોય અને પછી તેમને પોતાના દેશમાં પાછા મોકલીને અશાંતિ તથા વિનાશ ફેલાવવા માટે નાણાં આપે છે.

અભિજિત દીપકેએ શું કહ્યું?

મેરી મિલબેનની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં CJPના સ્થાપક અભિજિત દીપકેએ સવાલ ઉઠાવ્યો હતો કે ‘ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવાનો અધિકાર વિદેશી નાગરિકોને કોણે આપ્યો છે? અમે અમારા મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે સંપૂર્ણપણે સક્ષમ છીએ. અમને અમારા દેશની બાબતોમાં બહારના લોકોની દખલગીરીની કોઈ જરૂર નથી.’

મેરી મિલબેને દીપકેને શું જવાબ આપ્યો?

અભિજિત દીપકેના નિવેદનનો જવાબ આપતાં મેરી મિલબેને લખ્યું હતું કે અભિજિત દીપકે સત્ય દરેકને મુક્ત કરે છે. તમને પણ. અને સત્ય એ છે કે જ્યારે તમે સફળ નહીં થાઓ, ત્યારે આ અમેરિકન દાતાઓ તમને તરત જ છોડી દેશે.