ભારતમાં યુટ્યુબ અને એપ્સ પર પાકિસ્તાની કન્ટેન્ટની ઉપલબ્ધતા સામે સવાલ!

નવી દિલ્હી: નેટફ્લિક્સની પ્રથમ પાકિસ્તાની ઓરિજિનલ સિરીઝ ‘જો બચય હૈં સંગ સમૈત લો’ (Jo Bachay Hain Sang Samait Lo)ને લઈને ભારતમાં વિવાદ વકર્યો છે. એક તરફ આ સિરીઝને ભારતીય દર્શકો સુધી ન પહોંચવા દેવાની માંગ તેજ બની છે, તો બીજી તરફ એક તપાસ અહેવાલમાં એવો ખુલાસો થયો છે કે પ્રતિબંધ અને સૂચનો છતાં યુટ્યુબ ચેનલો અને સ્ટ્રીમિંગ એપ્સ મારફતે પાકિસ્તાની મનોરંજન કન્ટેન્ટ ભારતમાં સરળતાથી ઉપલબ્ધ છે.

અભિનેતા હમઝા અલી અબ્બાસી અને કલાકારો સામે વિરોધ

આ સિરીઝમાં ફવાદ ખાન, માહિરા ખાન, હાનિયા આમિર અને હમઝા અલી અબ્બાસી જેવા કલાકારો સામેલ છે. મુંબઈ સ્થિત ઓલ ઇન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન (AICWA) અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) એ આ સિરીઝ ભારતમાં ન બતાવવાની માંગ કરી છે. ખાસ કરીને હમઝા અલી અબ્બાસી દ્વારા વર્ષ ૨૦૧૭માં લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદનો જાહેરમાં બચાવ કરાયા બાદ તેની સામે ભારે વિરોધ થઈ રહ્યો છે. હાફિઝ સઈદ ૨૬/૧૧ના મુંબઈ હુમલાનો આરોપી છે અને જુલાઈ ૨૦૨૬માં એનઆઈએ (NIA) દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં પણ પહેલગામ આતંકવાદી હુમલા કેસમાં તેનું નામ સામે આવ્યું હતું.

આ ઉપરાંત, પહેલગામ હુમલા બાદ ભારત દ્વારા હાથ ધરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ફવાદ ખાન, માહિરા ખાન, હાનિયા આમિર અને માયા અલી જેવા કલાકારોએ કરેલી ટિપ્પણીઓ અંગે પણ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. અહેવાલો મુજબ, માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સને મે ૨૦૨૫ની એડવાઈઝરીનું પાલન કરવા જણાવ્યું છે, જેમાં પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનથી આવતા કન્ટેન્ટની ઍક્સેસ બંધ કરવા જણાવાયું હતું.

યુટ્યુબ અને એપ્સ દ્વારા કન્ટેન્ટની પહોંચ

નેટફ્લિક્સ પર વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સામે આવ્યું છે કે ભારતમાં ૫૦થી વધુ યુટ્યુબ ચેનલો પર પાકિસ્તાની ફિલ્મો અને નાટકો ઉપલબ્ધ છે. જેમાંથી ઓછામાં ઓછી ૨૪ ચેનલો પાકિસ્તાનથી સંચાલિત થાય છે.

અહેવાલ મુજબ, કેટલાક પાકિસ્તાની બ્રોડકાસ્ટર્સની મુખ્ય યુટ્યુબ ચેનલ ભારતમાં બ્લોક હોવા છતાં, તેમની સિસ્ટર ચેનલો અથવા ચોક્કસ નાટકો માટેની ચેનલો પર કન્ટેન્ટ જોઈ શકાય છે. હમઝા અલી અબ્બાસી, ફવાદ ખાન અને હાનિયા આમિરના ઘણા જૂના અને નવા શો યુટ્યુબ પર ઉપલબ્ધ હોવાનું તપાસમાં નોંધાયું છે. આ ઉપરાંત, ARY Plus, Hum TV, mJunoon અને UrduFlix જેવી કેટલીક સ્ટ્રીમિંગ એપ્સ પણ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઉપલબ્ધ હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.