હિંમતનગર: સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવીન કાર્યાલયનું ભવ્ય લોકાર્પણ અહીં કરવામાં આવ્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, પૂર્વ સાંસદ અને વરિષ્ઠ આગેવાન મધુસુદન મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકી સહિત પક્ષના વરિષ્ઠ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે, આ નવું કાર્યાલય માત્ર સંગઠન માટે નહીં પરંતુ સાબરકાંઠાના સામાન્ય અને પીડિત લોકોના અવાજ તરીકે કાર્ય કરશે. સરકારી કચેરીઓમાં વિલંબ, અન્યાય કે સિટિઝન ચાર્ટર મુજબ અધિકારો ન મળતા હોય ત્યારે નાગરિકોની મદદ અને માર્ગદર્શન માટે આ કાર્યાલયના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે.
રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા તેમણે ઉમેર્યું કે, “આજે ખેડૂતો, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને કથળેલી કાયદો-વ્યવસ્થાથી જનતા ત્રસ્ત છે. મોંઘા શિક્ષણ અને પેપર લીકની ઘટનાઓથી યુવાનોનો સરકારી વ્યવસ્થા પરથી વિશ્વાસ ઊઠી ગયો છે.” કોંગ્રેસ યુવાનો, ખેડૂતો અને આમ જનતાના પ્રશ્નો તેમજ દારૂ-ડ્રગ્સના દૂષણ સામે જનતાનો મજબૂત અવાજ બનીને લોકશાહી ઢબે લડત આપશે.






