દેશમાં બદલાતા હવામાન અને કુદરતી આફતોના વધતા જોખમોને જોતા કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં સંભવિત પૂર અને હીટવેવ (લૂ) સામે લડવાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં અધિકારીઓને સૂચના આપી હતી કે આપત્તિ ગમે તે હોય, આપણો પ્રાથમિક લક્ષ્યાંક ‘ઝીરો કેઝ્યુઆલ્ટી’ એટલે કે એક પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય તે હોવો જોઈએ.

રાજ્યોમાં ‘ફ્લડ ક્રાઈસીસ મેનેજમેન્ટ ટીમ’ની રચના
ગૃહમંત્રીએ બેઠક દરમિયાન દેશના તમામ રાજ્યોને પૂર જેવી કટોકટીનો સામનો કરવા માટે ‘ફ્લડ ક્રાઈસીસ મેનેજમેન્ટ ટીમ’ (FCMT) ની રચના કરવા અને તેને તાત્કાલિક સક્રિય કરવાના નિર્દેશ આપ્યા છે. આ ટીમો રાજ્ય, જિલ્લા અને મ્યુનિસિપલ સ્તરે સંકલન સાધીને ત્વરિત કામગીરી કરશે. શાહે ભાર મૂક્યો હતો કે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાયાના સ્તર સુધી કડક પાલન થવું જોઈએ.
સંવેદનશીલ સરોવરો પર ચાંપતી નજર
હિમાલયના રાજ્યોમાં વધતા જોખમોને ધ્યાનમાં રાખીને અમિત શાહે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં આવેલા જોખમી સરોવરો માટે પૂર્વ ચેતવણી પ્રણાલી (Early Warning System) ને વધુ મજબૂત કરવા જણાવ્યું છે. અગાઉ માત્ર ૩૦ સરોવરો માટે આ યોજના હતી, જેને વધારીને ઓછામાં ઓછા ૬૦ સંવેદનશીલ સરોવરો સુધી વિસ્તૃત કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
એજન્સીઓ વચ્ચે સંકલન પર ભાર
આ હાઈ-લેવલ બેઠકમાં આપત્તિ વ્યવસ્થાપન સાથે જોડાયેલા વિવિધ મંત્રાલયો, કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. હીટવેવ એટલે કે કાળઝાળ ગરમીથી બચવા માટેના ઉપાયો અને પૂર પ્રભાવિત વિસ્તારોમાં લોકોના સુરક્ષિત સ્થળાંતર માટે અગાઉથી બ્લુ પ્રિન્ટ તૈયાર કરી લેવા પર ચર્ચા કરવામાં આવી હતી.

