અમિત શાહનો ભારત ટેક્સીના સારથીઓ સાથે સંવાદ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ભારત ટેક્સીના સારથીઓ સાથે વાતચીત કરી. વાતચીત દરમિયાન, તેમણે જણાવ્યું હતું કે જે લોકો સખત મહેનત કરે છે તેમને જ નફો મળવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે અમારું લક્ષ્ય ટેક્સી માલિકોને ધનવાન બનાવવાનું છે અને સારથીઓ માલિકો છે. અમિત શાહે જણાવ્યું હતું કે સારથીઓ ભારત ટેક્સીના માલિક છે અને નફામાં તેમનો હિસ્સો રહેશે. આગામી ત્રણ વર્ષમાં, દેશના દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં “ભારત ટેક્સી” સેવા કાર્યરત હશે.અમિત શાહે જણાવ્યું હતું, “ભારત ટેક્સીની સ્થાપના દેશની પાંચ સૌથી મોટી સહકારી સંસ્થાઓને મર્જ કરીને કરવામાં આવી હતી. જેમ-જેમ સારથીઓની સંખ્યા વધતી જશે, તેમ તેમ ભાગીદાર બનવા ઇચ્છતા કોઈપણ સારથીને 500 રૂપિયાના શેર ખરીદીને માલિકી હકો પ્રાપ્ત થશે. આ સિવાય જ્યારે ભારત ટેક્સી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી થશે ત્યારે કેટલીક બેઠકો સારથીઓ માટે અનામત રાખવામાં આવશે. સારથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાય છે, ત્યારે તે પોતે અન્ય સારથીઓના તમામ હિતોનું રક્ષણ અને કાળજી લેશે.”

અમિત શાહે જણાવ્યું હતું કે ભારત ટેક્સીની કુલ કમાણીના 20% સારથીઓની મૂડી તરીકે ભારત ટેક્સીના ખાતામાં જમા કરવામાં આવશે અને 80% સારથીઓના ખાતામાં પાછા જશે જે કિલોમીટર મુસાફરીની સંખ્યાના આધારે હશે. શરૂઆતના ત્રણ વર્ષ ભારત ટેક્સીના વિસ્તરણ પર ખર્ચ કરવામાં આવશે અને તે પછી જે નફો થશે તેના 20% ભારત ટેક્સી પાસે રહેશે અને 80% સારથી ભાઈઓને પરત કરવામાં આવશે.અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ભારત ટેક્સીએ “સારથી દીદી” સુવિધાની કલ્પના કરી છે. ભારત ટેક્સીની “સારથી દીદી” સુવિધા મહિલા ડ્રાઇવરોને સશક્ત બનાવશે અને મહિલા મુસાફરો અને ડ્રાઇવરો બંનેની સલામતી સુનિશ્ચિત કરશે.

ભારત ટેક્સીની વેબસાઇટ પર ડ્રાઇવરોની ચિંતાઓને દૂર કરવા માટે એક વિન્ડો ખોલવામાં આવશે, જ્યાં તેઓ તેમના મોબાઇલ નંબરથી લોગ ઇન કરી શકશે અને તેમની સમસ્યાઓની જાણ કરી શકશે અને તેના આધારે અમે અમારી નીતિઓમાં ફેરફાર કરી શકીશું. જેમ ભારત ટેક્સી ડ્રાઇવરોની ચિંતાઓને દૂર કરશે, તેવી જ રીતે અન્ય ટેક્સી કંપનીઓએ પણ તે જ કરવાની જરૂર પડશે. ભારત ટેક્સીનો ધ્યેય ગ્રાહકોના આનંદની સાથે ડ્રાઇવરોના કલ્યાણને સુનિશ્ચિત કરવાનો હોવો જોઈએ.