વાહનચાલકો ડ્રાઇવર નહીં પણ ‘સારથિ’ અને ‘માલિક’ બનશે: અમિત શાહ

ગાંધીનગર: ‘ભારત ટેક્સી’ના માધ્યમથી ગુજરાત સહિત દેશના ટ્રાન્સપોર્ટેશન અને મોબિલિટી ક્ષેત્રે નવી શરૂઆત થઈ છે. ‘સહકાર સે સમૃદ્ધિ’ના મંત્રને સાકાર કરતાં, સહકારી ધોરણે દેશની સર્વપ્રથમ ટેક્સી સેવા ‘ભારત ટેક્સી’નો આજે ગુજરાતના તમામ પ્રમુખ શહેરોમાં સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. અમૂલ અને ઇફ્કોના સફળ સહકારી મોડેલ પર આધારિત આ નવીન પહેલથી ટૂ-વ્હીલર, ઓટો રિક્ષા અને ફોર-વ્હીલર ચલાવતા દેશના લાખો વાહનચાલકોને ખાનગી એપ-આધારિત કંપનીઓના શોષણમાંથી મુક્તિ મળશે. આ પહેલથી ટેક્સી ચાલકો ડ્રાઇવર નહીં, પરંતુ ‘સારથિ’ અને ‘માલિક’ છે, તેમ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહે જણાવ્યું હતું.કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે શનિવારે મહાત્મા મંદિર ખાતેથી વિશ્વની સૌથી મોટી અને ચાલકોની માલિકી ધરાવતી સહકારી મોબિલિટી સંસ્થા ‘ભારત ટેક્સી’નો ગુજરાતમાં ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વઘાણી તેમજ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, ખાનગી કંપનીઓ વાહનચાલકોને માત્ર ડ્રાઇવર ગણીને તેમનું શોષણ કરતી હતી, કમિશનના નામે કમાણી પડાવી લેતી હતી અને કોઈ સુનાવણી વગર રજીસ્ટ્રેશન બ્લોક કરી દેતી હતી. પરંતુ ‘ભારત ટેક્સી’માં આ વાહનચાલકો માત્ર ડ્રાઇવર નથી, પણ ‘સારથિ’ તરીકે ઓળખાય છે. આજે દેશભરના ૭ લાખથી વધુ સારથિઓ રૂ. ૧૦૦ના શેર સાથે ‘ભારત ટેક્સી’ના સહ માલિક-શેરહોલ્ડર બન્યા છે. આ મોડેલ માત્ર ગ્રાહકોને વ્યાજબી ભાવે સુરક્ષિત સવારી જ નથી આપતું, પરંતુ સારથિઓને સન્માન, સુરક્ષા અને સમૃદ્ધિની ગેરંટી આપે છે. સહકારી ભાવના અને સેવાના સંકલ્પ સાથે ‘ભારત ટેક્સી’ સંસ્થા અડગ ઊભી રહેશે.”આ સેવાને મજબૂત બનાવવા માટે દેશની ટોચની સહકારી સંસ્થાઓ જેવી કે NCDC, ઇફ્કો, ક્રિભકો, NDDB, નાબાર્ડ અને અમૂલ જેવી સંસ્થાઓએ આર્થિક અને સંગઠનાત્મક પીઠબળ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, એએમસી, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક, ટ્રાફિક પોલીસ અને પશ્ચિમ રેલ્વે સાથે જોડાણ કરીને આ સેવાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આગામી બે વર્ષમાં ભારત ટેક્સી નાગપુર, પુણે, મુંબઈ, લખનઉ, ચંદીગઢ, જયપુર અને કોલકાતા જેવા દેશના ૫૦૦થી વધુ નાના-મોટા શહેરોમાં પોતાનો વિસ્તાર કરશે, તેમ કેન્દ્રીય સહકાર મંત્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ભારતની ૮ મોટી સહકારી સંસ્થાઓના માધ્યમથી શરૂ થયેલી ભારત ટેક્સી એ સારથિની માલિકી ધરાવતું વિશ્વનું સૌથી મોટું સહકારી માળખું બન્યું છે. અમિતભાઈ શાહે ફેબ્રુઆરી ૨૦૨૬માં આ મોડેલની શરૂઆત કરાવી ત્યારથી આજ સુધીમાં ભારત ટેક્સીના ૭ લાખ સભ્યો થયાં છે અને ૩૭ લાખ ગ્રાહકોએ ટેક્સી સેવાનો લાભ લીધો છે. સહકારનું આ એક એવું મોડેલ છે, જેમાં વિકાસનું કેન્દ્ર માત્ર મૂડી નહિં, પરંતુ માનવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ભારત ટેક્સીના ગુજરાત લોન્ચિંગ પ્રસંગે ‘સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ’ના અધ્યક્ષ ડૉ. જયેન મહેતાએ સ્વાગત કરતાં કહ્યું હતું કે, “ભારતના સહકાર મંત્રી અમિત શાહના વિઝનથી શરૂ થયેલી ‘ભારત ટેક્સી’ સાથે માત્ર પાંચ મહિનામાં જ ૭ લાખ સારથિઓ અને ૪૦ લાખ ગ્રાહકો જોડાઈ ચૂક્યા છે. જેમાં ગુજરાતના ૧.૫ લાખથી વધુ સારથિ અને ૬ લાખ ગ્રાહકોનો સમાવેશ થાય છે.”

કાર્યક્રમના અંતે સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડના સી.ઈ.ઓ. કર્નલ હિમાંશુ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. અમિત શાહ,  ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે ગુજરાતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ભારત ટેક્સીના વિવિધ છ સારથિ ભાઈ-બહેનોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય સહકારી બેંક, અદાણી એરપોર્ટ, અમદાવાદ પશ્ચિમ રેલવે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા- સુરત, રાજકોટ અને વડોદરા, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર-BRTS, ગુજરાત ટ્રાફિક પોલીસ સાથે વિવિધ સમજૂતી કરાર-MoU કરવામાં આવ્યા હતા.

આજથી ગુજરાતના ૧૪ પ્રમુખ શહેરો જેવા કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, દ્વારકા, સોમનાથ, મહેસાણા, આણંદ, નડિયાદ, વલસાડ, અમરેલી, જૂનાગઢ, જામનગર અને ભાવનગરમાં ભારત ટેક્સીની સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યારે સંભવિત આગામી એક માસમાં સમગ્ર ગુજરાતમાં આ સેવા શરૂ કરવામાં આવશે.આ પ્રસંગે અમૂલ ફેડરેશનના અધ્યક્ષ અશોકભાઈ ચૌધરી, કેન્દ્ર સરકારના સહકારિતા સચિવ ડૉ. આશિષ કુમાર ભૂટાની, ગુજરાતનાં મુખ્ય સચિવ એમ. કે. દાસ, સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ અરૂણકુમાર સોલંકી, ભારત ટેક્સીના સારથિ પ્રતિનિધિ કિશનભાઈ પટણી, ધારા વલ્લભ, સહકાર વિભાગના અગ્રણીઓ તેમજ ચાર હજારથી વધુ સારથિ મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં.