બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના વ્યક્તિત્વ અધિકારો (Personality Rights) અંગે દિલ્હી હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ કેસમાં અમિતાભ બચ્ચનના પક્ષમાં અંતિમ આદેશ આપતાં કોર્ટે તેમની તસવીર, અવાજ, નામ અને વ્યક્તિત્વ સાથે જોડાયેલી અન્ય ઓળખનો પરવાનગી વિના વ્યાવસાયિક ઉપયોગ કરવા પર કાયમી પ્રતિબંધ મૂક્યો છે.

સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ, જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવે આ મામલે અંતિમ આદેશ આપ્યો છે. આ સાથે નવેમ્બર 2022માં આપવામાં આવેલા વચગાળાના એકપક્ષીય પ્રતિબંધને કાયમી કરવામાં આવ્યો છે.
2022માં અમિતાભ બચ્ચને દાખલ કરી હતી અરજી
અમિતાભ બચ્ચને વર્ષ 2022માં દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે કેટલાક લોકો અને સંસ્થાઓ તેમની ઓળખ, લોકપ્રિયતા, તસવીરો અને અવાજનો પરવાનગી વિના વ્યાવસાયિક લાભ માટે ઉપયોગ કરી રહ્યાં છે.
કોર્ટે આ મામલે સુનાવણી દરમિયાન માન્યું કે વ્યક્તિને પોતાની ઓળખના વ્યાવસાયિક ઉપયોગ પર નિયંત્રણ રાખવાનો અધિકાર છે. તેને ‘રાઇટ ટુ પબ્લિસિટી’ એટલે કે પ્રચાર અને વ્યાવસાયિક ઓળખનો અધિકાર કહેવામાં આવે છે.
કોર્ટના આદેશ બાદ હવે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા અમિતાભ બચ્ચનની મંજૂરી વિના તેમની લોકપ્રિયતાનો ઉપયોગ કરીને નાણાકીય લાભ મેળવી શકશે નહીં.
મોબાઇલ એપથી લઈને ટી-શર્ટ અને પોસ્ટર સુધીનો હતો મામલો
આ કેસમાં અનેક પ્રકારના ઉત્પાદનો અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા અમિતાભ બચ્ચનના વ્યક્તિત્વના કથિત દુરુપયોગનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
તેમાં મુખ્યત્વે નીચેની બાબતો સામેલ હતી:
‘અમિતાભ બચ્ચન વીડિયો કોલ’ નામની મોબાઇલ એપ્લિકેશન
‘કૌન બનેગા કરોડપતિ’ લોટરીના નામે પ્રચાર કરતા મેસેજ
અમિતાભ બચ્ચનની તસવીર ધરાવતું જનરલ નોલેજ ક્વિઝ બુક
તેમની તસવીરવાળી ટી-શર્ટ અને પોસ્ટર
તેમની ઓળખ સાથે જોડાયેલા ડોમેન નેમ
આ કેસમાં ચાર પક્ષકારોએ અમિતાભ બચ્ચન સાથે સમાધાન કર્યું હતું. તેમણે વિવાદિત કન્ટેન્ટ દૂર કરવા અને ભવિષ્યમાં ફરીથી આવી પ્રવૃત્તિ ન કરવાની ખાતરી આપી હતી. આ પક્ષકારોને નાણાકીય વળતરની જવાબદારીમાંથી પણ રાહત મળી હતી.
બીજી તરફ, ચાર અન્ય પક્ષકારોએ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો નહોતો. તેથી કોર્ટે તેમની વિરુદ્ધ પણ આદેશ આપ્યો હતો.
દિલ્હી હાઈકોર્ટના આદેશથી અમિતાભ બચ્ચનને ભવિષ્યમાં પણ પોતાના વ્યક્તિત્વ અધિકારોનું રક્ષણ મેળવવાનો માર્ગ ખુલ્લો રહેશે.જો કોઈ વ્યક્તિ કે સંસ્થા તેમની મંજૂરી વિના નામ, તસવીર, અવાજ અથવા અન્ય ઓળખનો વ્યાવસાયિક ઉપયોગ કરશે, તો અમિતાભ બચ્ચન નવી કાનૂની કાર્યવાહી શરૂ કરી શકશે.
આ ચુકાદો કલાકારો અને અન્ય જાહેર વ્યક્તિઓના વ્યક્તિત્વ અધિકારો તથા તેમની ઓળખના બિનમંજૂરી વ્યાવસાયિક ઉપયોગ સામે કાનૂની રક્ષણના સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ છે.






