અમરેલી: ચર્ચાસ્પદ પાયલ ગોટી લેટરકાંડ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા નકલી લેટરપેડ વિવાદ અને તે બાદ પાટીદાર યુવતી પાયલ ગોટીની ધરપકડના આ પ્રકરણમાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા હતા. લાંબી કાનૂની લડત અને જાન્યુઆરી 2025માં જામીન મળ્યા બાદ પાયલે સ્થાનિક પોલીસ પર રૂમમાં પૂરી રાખીને પગમાં પટ્ટા મારવા જેવા ગંભીર અને અમાનવીય અત્યાચારના આક્ષેપો કર્યા હતા. જેને રાજકીય અને સામાજિક સ્તરે ભારે હોબાળો મચાવ્યો હતો.
નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને (NHRC) પોલીસની મનમાની અને કાર્યશૈલી સામે કડક વલણ અપનાવ્યું. પંચ દ્વારા પાયલ ગોટીની ગેરકાયદેસર ધરપકડ કરવા, તેને પોલીસ કસ્ટડીમાં શારીરિક-માનસિક યાતના આપવા તેમજ તેની જાહેરમાં પરેડ કરાવીને માનસિક તથા સામાજિક સતામણી કરવા બદલ આ ચુકાદો આપ્યો હોવાનું જણાવાયું છે.




