મથુરા: ઉત્તર પ્રદેશના ઇટાવાના રહેવાસી મૌલાના જર્જિસ અન્સારીની મુશ્કેલીઓ હવે વધી ગઈ છે. ભગવાન શ્રીકૃષ્ણને “પાંચ વખતના નમાજી” ગણાવવા અને હિંદુ ધર્મ અંગે અન્ય વાંધાજનક ટિપ્પણીઓ કરવા બદલ તેમના વિરુદ્ધ એક FIR નોંધવામાં આવી છે. એ ઉપરાંત ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં તેમના વિરુદ્ધ કુલ 95 અરજીઓ (તહરીરો) પણ આપવામાં આવી છે. બીજી તરફ, હિંદુ સંગઠનો દ્વારા તેમનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ ઊઠી રહી છે.
શ્રીકૃષ્ણને પાંચ વખતના નમાજી ગણાવ્યા
પ્રાપ્ત માહિતી મુજબ મૌલાના જર્જિસ અંસારીએ 23 જૂને ઝારખંડમાં આપેલા એક પ્રવચનમાં ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીકૃષ્ણ, હિંદુ ધર્મની પૂજા પદ્ધતિ અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યું હતું કે શ્રીકૃષ્ણ પણ દિવસમાં પાંચ વખત નમાજ પડતા હતા અને તેનો ઉલ્લેખ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયના દસમા શ્લોકમાં જોવા મળે છે. આ દાવાને સમર્થન આપવા માટે તેમણે ઉપરોક્ત શ્લોકનો ઉલ્લેખ કર્યો અને તેની એવી વ્યાખ્યા કરી કે શ્રીકૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે હે અર્જુન, જ્યારે ઈશ્વરની ઉપાસના કરો ત્યારે આખા શરીર સાથે કરો. માત્ર ઊભા રહીને ઉપાસના ન કરો, પરંતુ શરીરના દરેક અંગનો ઉપયોગ કરીને કરો. તેમણે આગળ કહ્યું હતું કે આજકાલ હિંદુ ધર્મમાં લોકો માત્ર હાથ ઊંચા કરીને “ઓમ નમઃ શિવાય” બોલે છે અને પૂજા પૂર્ણ થઈ જાય છે.
Lucknow, Uttar Pradesh: An FIR has been registered at Hazratganj Police Station against Maulana Jarjis Ansari over a viral video in which he claimed that Lord Krishna was a Muslim and offered namaz. pic.twitter.com/novB4BCISn
— IANS (@ians_india) July 16, 2026
લખનૌમાં FIR નોંધાવવા પહોંચી હિંદુ મહાસભા
વિવાદ વધ્યા બાદ મૌલાના જર્જિસ અંસારી વિરુદ્ધ FIR નોંધાવવાની માગ સાથે હિંદુ મહાસભાના કાર્યકરો લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ પ્રસંગે હિંદુ મહાસભાના પ્રવક્તા શિશિર ચતુર્વેદીએ જણાવ્યું હતું કે તેઓ FIR નોંધાવવા આવ્યા છે. તેમણે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને અપીલ કરી કે તેઓ ન્યાય કરે અને આ વખતે “બુલડોઝરનું મુખ ઇટાવા તરફ ફેરવે” તથા મૌલાના જર્જિસ સામે કડક કાર્યવાહી કરે.






