કાશ્મીરમાં આતંકવાદની ઓનલાઈન ‘વર્કશોપ’નો પર્દાફાશ

જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ હવે પહાડોમાંથી નીકળીને મોબાઇલ સ્ક્રીન સુધી પહોંચી રહ્યો છે. કાઉન્ટર ઈન્ટેલિજન્સ કાશ્મીરે આવા એક મોટા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. ઈન્ટેલિજન્સ વિંગે શનિવારે વહેલી સવારે ઉત્તર અને દક્ષિણ કાશ્મીરના પાંચ જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. આરોપ છે કે ઓનલાઈન માધ્યમો દ્વારા આતંકવાદનું મહિમામંડન કરવામાં આવી રહ્યું હતું. યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમને કટ્ટરપંથ તરફ ધકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત આતંકવાદી સંગઠનોમાં યુવાનોની ભરતી કરવાની પણ તૈયારી ચાલી રહી હોવાનો આરોપ છે. આ દરોડા આતંકવાદીઓના સ્લીપર સેલ અને ઓવરગ્રાઉન્ડ વર્કર્સ અંગે માહિતી મેળવવા માટે પાડવામાં આવ્યા હતા. આ અભિયાન હેઠળ બારામુલા, શોપિયાં, અનંતનાગ, કુપવાડા અને બાંદીપોરામાં દરોડા પાડવામાં આવ્યા હતા.

આ કાર્યવાહી એક FIRને આધારે કરવામાં આવી છે. તેમાં આતંકવાદ ફેલાવવા, યુવાનોને કટ્ટરપંથ તરફ ધકેલવા અને તેમને આતંકવાદી તાલીમ માટે ભરતી કરવાના આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યાનુસાર  FIRમાં નોંધવામાં આવ્યું છે કે આ લોકો સોશિયલ મિડિયાનો ઉપયોગ કરીને આતંકવાદને ગ્લોરિફાઈ કરી રહ્યા હતા. આ ઉપરાંત યુવાનોને આતંકવાદી સંગઠનો સાથે જોડાવા માટે પ્રલોભિત કરવામાં આવતા હોવાનો પણ આરોપ છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે તાજેતરમાં થયેલી ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ બાદ કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે. આ ઘટનાઓ બાદ પોલીસે અત્યાર સુધી સમગ્ર કાશ્મીર ખીણમાં આશરે 5000 લોકોની પૂછપરછ કરી છે.

આ કાર્યવાહી હેઠળ કુપવાડામાં બાબર ડારના ઘરે પણ દરોડો પાડવામાં આવ્યો હતો. તેના પર સિમ કાર્ડનો દુરુપયોગ કરીને સોશિયલ મીડિયા પર ખોટું નેરેટિવ ફેલાવવાનો આરોપ છે. બાંદીપોરામાં અબ્દુલ રાશિદ ડારની પુત્રી લાલીના ઘરે પણ દરોડો પાડવામાં આવ્યો હતો. તેના પર પણ સિમ કાર્ડનો દુરુપયોગ કરીને ઓનલાઈન માધ્યમથી આતંકવાદને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. અધિકારીઓએ જણાવ્યું કે ગુલઝાર અહમદ વાનીનો પુત્ર ઉસ્માન ગુલઝાર અગાઉથી જ સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેની સામે આર્મ્સ એક્ટ, આઈપીસી અને UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એજન્સીનું કહેવું છે કે કાશ્મીરમાં ડિજિટલ રેડિકલાઈઝેશનનું નેટવર્ક ફેલાયેલું છે. આ ઉપરાંત ટેરર ફાઈનાન્સિંગ એટલે કે આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાં પૂરા પાડવા અંગે પણ મહત્વપૂર્ણ માહિતી મળી છે.