નવી દિલ્હીઃ ભીષણ ગરમી અને લૂના માર વચ્ચે હવામાન વિભાગ (IMD)એ દેશ માટે સૌથી મોટી અને રાહતભર્યા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ તાજા અનુમાન મુજબ આ વખતે ચોમાસું તેની સામાન્ય તારીખ કરતાં વહેલું દસ્તક આપી શકે છે. કેરળના કિનારે ચોમાસું 26 મે સુધી પહોંચવાની શક્યતા છે. દેશના કરોડો ખેડૂતો અને સામાન્ય જનતા માટે ચોમાસાની રાહ હવે પૂરી થવાની છે. IMDએ શુક્રવારે માહિતી આપી કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 26 મેએ કેરળ કિનારે પહોંચી શકે છે. જોકે હવામાન વિભાગે તેમાં ચાર દિવસની મોડલ એરર (ફેરફાર)ની શક્યતા પણ દર્શાવી છે.
સતત ત્રીજા વર્ષે સમય પહેલાં આવી રહ્યું છે ચોમાસું
સામાન્ય રીતે કેરળમાં ચોમાસું પહેલી જૂને પહોંચે છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમાં ફેરફાર જોવા મળ્યો છે.
* 2024માં: ચોમાસું 30 મેએ આવ્યું હતું.
2025માં: ચોમાસું 24 મેએ જ પહોંચી ગયું હતું.
* 2026નું અનુમાન: આ વખતે પણ તે 26 મે સુધી આવવાની શક્યતા છે, જે સામાન્ય કરતાં વહેલું છે.
આંદામાનમાં કાલે પહોંચશે ચોમાસું
IMD મુજબ ચોમાસાની આગળ વધવાની પરિસ્થિતિ સંપૂર્ણ અનુકૂળ છે. 16 મે (શનિવાર) આસપાસ દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન-નિકોબાર દ્વીપસમૂહમાં ચોમાસું આગળ વધવાની પૂરી શક્યતા છે. હાલમાં બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક “વેલ-માર્ક્ડ લો પ્રેશર” વિસ્તાર બન્યો છે, જે ચોમાસાની ગતિમાં મદદરૂપ બની રહ્યો છે.
આ વર્ષે ‘સામાન્ય કરતાં ઓછો’ રહેશે વરસાદ
એક તરફ ચોમાસું વહેલું આવી રહ્યું છે, તો બીજી તરફ વરસાદની માત્રા અંગે ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. એપ્રિલમાં જાહેર કરાયેલા પ્રથમ લોંગ રેન્જ ફોરકાસ્ટ મુજબ આ વર્ષે ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે. આ વરસાદ લાંબા ગાળાના સરેરાશ (LPA)ના લગભગ 92 ટકા જેટલો રહી શકે છે.
અલ નિનોનો ખતરો
હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ જુલાઈ આસપાસ ‘અલ નિનો’ (El Nino) જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. અલ નિનોનો ભારતીય ચોમાસા પર નકારાત્મક પ્રભાવ પડે છે અને તેને ઘણી વાર ઓછી વરસાદી સ્થિતિ અથવા દુષ્કાળ સાથે જોડવામાં આવે છે.




