જામનગર: કોલંબિયાની મેગડાલેના નદીના પટમાં રહેતા 80 હિપ્પોપોટેમસને મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. વિશ્વના સૌથી મોટા વન્યજીવ બચાવ, સંભાળ અને સંરક્ષણ કેન્દ્રોમાં સ્થાન ધરાવતા વનતારાના સ્થાપક અનંત મુકેશ અંબાણીએ કોલંબિયા સરકારને વિનંતી કરી છે કે તેઓ આ નિર્ણય પર પુનઃવિચાર કરે અને માનવીય વિકલ્પ અપનાવે. સુરક્ષિત અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સ્થળાંતર થકી આ 80 પ્રાણીઓને વનતારા કાયમી આવાસ પૂરો પાડશે.
કોલંબિયાના એન્વાયર્મેન્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મિનિસ્ટર ઇરેન વેલેઝ ટોરેસને સંબોધેલા એક પત્રમાં આ અપીલ કરવામાં આવી છે. આ પગલું પ્રાણી કલ્યાણ અને સંરક્ષણ પ્રત્યે અનંત અંબાણીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જેના માટે તેઓ ‘ગ્લોબલ હ્યુમેન એવોર્ડ’ મેળવનારા સૌથી નાની વયના અને પ્રથમ એશિયન બન્યા છે.
અનંત મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “આ 80 હિપ્પોએ જાતે જન્મસ્થળ પસંદ નથી કર્યું, એટલું જ નહીં અત્યારે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે તેમણે ઊભી કરી નથી. તેઓ જીવંત અને સંવેદનશીલ પ્રાણીઓ છે અને જો આપણી પાસે સુરક્ષિત અને માનવીય ઉકેલ થકી તેમને બચાવવાની ક્ષમતા હોય તો પ્રયાસ કરવાની આપણી જવાબદારી છે.”
વનતારાએ કોલંબિયાના સત્તાવાળાઓ સમક્ષ એક સર્વસમાવેશી પ્રસ્તાવ રજૂ કર્યો છે જેમાં વેટરનરી લીડરશિપ, પ્રાણીઓને પકડવા અને પરિવહન કરવાની નિપુણતા, બાયો-સિક્યોરિટી પ્રોટોકોલ્સ અને હિપ્પોના વર્તમાન વાતાવરણ જેવું જ કુદરતી આવાસ ગુજરાતમાં પૂરું પાડવાની તૈયારી સામેલ છે. આ સાથે જ તમામ 80 હિપ્પોની આજીવન સંભાળ લેવાની ખાતરી પણ આપવામાં આવી છે.
અનંત અંબાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, “કરુણા અને જાહેર સુરક્ષા એ પરસ્પર વિરોધી બળો નથી. ઘનિષ્ઠ વિજ્ઞાન અને સંભાળપૂર્વકના આયોજન સાથે નદી કિનારે રહેતા સમુદાયોનું રક્ષણ કરવું, ઇકોસિસ્ટમને જાળવવી અને પ્રાણીઓનો જીવ બચાવવો શક્ય છે. વનતારા પાસે આ પ્રયાસને સહયોગ આપવા માટે જરૂરી નિપુણતા, માળખાગત સુવિધા અને સંકલ્પ છે, જે સંપૂર્ણપણે કોલંબિયાની શરતોને આધીન રહેશે.”
વનતારાએ ઔપચારિક રીતે વિનંતી કરી છે કે જ્યાં સુધી આ વૈકલ્પિક દરખાસ્તનું યોગ્ય મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી આ પ્રાણીઓને મારી નાખવાના નિર્ણયને મોકૂફ રાખવામાં આવે. વનતારાએ વિગતવાર વૈજ્ઞાનિક, કાર્યાન્વિત અને કલ્યાણકારી દરખાસ્ત રજૂ કરવા માટે કોલંબિયાના સત્તાવાળાઓ સાથે સીધી રીતે જોડાવા માટે પોતાની તૈયારીની પુષ્ટિ કરી છે.




