દ્વારકા: પાવન અને આધ્યાત્મિક ભૂમિ પર દરરોજ દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે. આ ભક્તોની સેવામાં હવે એક નવો, સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર અનંત અંબાણીની શુભપ્રેરણા અને રિલાયન્સ ફાઉન્ડેશનની આર્થિક સહાયથી દ્વારકામાં ‘યાત્રિક ભોજન પ્રસાદાલય’ ખાતે વિનામૂલ્યે ભોજન પ્રસાદ સેવાનો શુભારંભ થયો છે.
આ પહેલ દ્વારકા ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સમસ્ત, પૂજારી પરિવાર તેમજ સમસ્ત પંડા સમાજના કુશળ સંચાલન હેઠળ કાર્યરત થઈ છે. ૭ ઓક્ટોબર, ૨૦૨૬થી શરૂ થયેલી આ યોજના હેઠળ દરરોજ અંદાજે ૪,૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓ શુદ્ધ, સાત્વિક અને પવિત્ર ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકશે.
આ સંકલ્પ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ભૂખ સંતોષવાનો નથી, પરંતુ દ્વારકા આવતા પ્રત્યેક યાત્રિકને દિવ્ય આત્મીયતા, સન્માન અને “અતિથિ દેવો ભવ:” ની આપણી વસુધૈવ કુટુંબકમ્ અને સનાતન પરંપરાનો અનુભવ કરાવવાનો છે. રિલાયન્સ ફાઉન્ડેશન અને દ્વારકાના પૂજારી સમાજનો આ સંયુક્ત પ્રયાસ ‘સેવા એ જ પરમ ધર્મ’ની ભાવનાને ચરિતાર્થ કરતાં દરેક ભક્તની યાત્રાને વધુ સુખદ, સાત્વિક અને સ્મરણીય બનાવશે.




